BREAKING NEWS

ગુજરાત રાજ્યનું જાહેર દેવું વધીને 4.30 લાખ કરોડને પાર પહોંચ્યું

  • September 12, 2026 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે વર્ષમાં ચૂકવાયું 52,699 કરોડનું વ્યાજ: એક જ વર્ષમાં દેવામાં 55,475 કરોડ રૂપિયાનો વધારો થયો હોવાનું વિધાનસભામાં નિવેદન





રાજ્યમાં એકતરફ કરવેરા થકી સરકારને જંગી આવક થઈ રહી છે, છતાં જાહેર દેવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વિધાનસભામાં અપાયેલી સત્તાવાર માહિતી મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં રાજ્ય સરકારને ફક્ત વેટ પેટે જ 24,785 કરોડ રૂપિયાની આવક થઈ છે. તેમ છતાં, રાજ્યનું દેવું બેફામ રીતે વધીને વર્ષ 2025-26માં 4.30 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે.



ગત વર્ષની સરખામણીમાં માત્ર એક જ વર્ષમાં દેવાના પ્રમાણમાં 55,475 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. અનિયંત્રિત રીતે વધી રહેલા દેવાના કારણે છેલ્લા બે વર્ષમાં કુલ મળીને 52,699 કરોડ રૂપિયાનું તો માત્ર વ્યાજ જ ચૂકવવું પડ્યું છે. આ ડેટા દર્શાવે છે કે ગુજરાતના નાગરિકો ઉપર દેવા અને વ્યાજના અઢળક બોજામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.



વિધાનસભામાં રાજ્ય સરકારના કરવેરા અને દેવાને લગતા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં રાજ્યની નાણાકીય સ્થિતિની વાસ્તવિકતા બહાર આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાએ છેલ્લા બે વર્ષમાં રાજ્યનું દેવું અને ચૂકવાયેલા મુદલ-વ્યાજ વિશે માહિતી માંગી હતી. જેના લેખિત જવાબમાં નાણાં વિભાગે જણાવ્યું હતું કે વર્ષ 2024-25માં રાજ્યનું જાહેર દેવું 3,74,845 કરોડ રૂપિયા હતું, જે વર્ષ 2025-26માં સુધારાણા અંદાજ પ્રમાણે વધીને 4,30,320 કરોડ રૂપિયા થયું છે.



આ દેવા પેટે સરકારને જંગી વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે. વર્ષ 2024-25માં 25,604 કરોડ અને વર્ષ 2025-26માં સુધારાણા અંદાજ પ્રમાણે 27,095 કરોડ રૂપિયાનું વ્યાજ દેવા બદલ ચૂકવવામાં આવ્યું છે. જેટલું જંગી દેવું છે તે ઉતારવા મુદલ પેટે ચૂકવાતી રકમ સામે વ્યાજની રકમ સાવ મામૂલી છે. વર્ષ 2024-25માં 29,126 કરોડ મુદલ ચૂકવાયું હતું, જ્યારે 2025-26માં 34,025 કરોડ મુદલ ચૂકવાયું છે.



સવાલના જવાબમાં વધુમાં જણાવાયું હતું કે સરકારને વર્ષ 2025-26માં પેટ્રોલ-ડીઝલના વિવિધ વેરા પેટે જ 21,992 કરોડ રૂપિયાની જંગી આવક થઈ છે. જેમાં પેટ્રોલના વેચાણની આવક 6,791 કરોડ અને ડીઝલના વેચાણની આવક 15,201 કરોડ થઈ છે. આ ઉપરાંત, રાજ્યમાં વીજ ગ્રાહકોને ઊંચા ભાવે વીજળી મળી રહી હોવાથી સરકારને મોટી આવક પેટે ફાયદો થઈ રહ્યો છે. વર્ષ 2024-25માં સરકારને ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી પેટે 11,472.38 કરોડ અને 12,494 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જે કુલ મળીને 23,966 કરોડ રૂપિયા થવા જાય છે. આમ, નાગરિકો કરવેરા પેટે મોટી રકમ ચૂકવી રહ્યા હોવા છતાં રાજ્યના શિરે દેવાનો બોજ ઉત્તરોત્તર વધી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application