BREAKING NEWS

વીંછિયાના વ્યાજખોરે આધેડ પાસેથી ધરાર મકાન ગીરવે મુકયાનું લખાણ કરાવી લીધુ

  • September 12, 2026 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આધેડને રૂ. 60 હજાર આપ્યા બાદ બે વર્ષ સુધી 10 ટકા વ્યાજ વસુલ્યું : વ્યાજ નહિ ચૂકવી શકતા પુત્રને મારી નાખવાની ધમકી આપી લખાણ કરાવ્યું




વીંછિયાના રમેશ પંચાળ નામના શખસે આધેડને વ્યાજે રકમ આપ્યા બાદ વ્યાજ ન ચૂકવી શકતા તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી મકાન ગીરવે મુકયાનું તેમની પાસેથી ધરાર લખાણ કરાવી લીધુ હતું. જે અંગે આધેડે વીંછિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મની લેન્ડ એકટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


વીંછિયાના શિવાજીપરા શેરી નં.-9 માં રહેતા રજાકભાઇ ઉર્ફે ભુરાભાઇ જમાલભાઈ શાહમદાર(ઉ.વ.૪૮) વ્યાજખોર તરીકે રમેશ ઠાકરશીભાઈ પંચાળા(ઉવ 40 રહે. ખારચીયા, વિંછીયા, રાજકોટ)નું નામ આપતાં વીંછિયા પોલીસે મની લેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.


આધેડ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019માં મારા મિત્ર શૈલેશભાઇ ગોલા (રહે.વિંછીયા) ને કહ્યું હતું કે, તેમના પત્ની મરીયમને ટી.બી. થઇ હોય સારવાર માટે રૂપીયાની જરૂરત છે. તો શૈલેષભાઇએ કહ્યું હતું કે, રમેશભાઈ ઠાકરશીભાઈ પંચાળા વ્યાજે રૂપીયા આપે છે. જેથી આધેડ રમેશભાઇ પાસેથી રૂ. ૨૦ હજાર માસિક ૧૦ ટકા લેખે વ્યાજે લીધેલ હતા. બાદ બીજીવાર રૂ.૨૦ હજાર માસિક ૧૦ ટકા લેખે વ્યાજે લીધેલ હતા. બાદ ત્રીજીવાર રૂ. 20 હજાર માસિક ૧૦ ટકા લેખે વ્યાજે લીધેલ હતા. આમ કુલ રૂ. 60 હજાર વ્યાજે લીધેલ હતા. જેનું દર મહિને છ હજાર રૂપિયા વ્યાજ બે વર્ષ સુધી ચૂકવ્યું હતું. વ્યાજના રૂપીયા રમેશ ઘરે આવીને લઇ જતો હતો.


વર્ષ 2024 માં આધેડ ટીબીની બીમારીમાં સંપડાતા રમેશભાઈના રૂપીયા તથા વ્યાજ ચુકવી શકયા ન હતા. જેથી રમેશે કહ્યું હતું કે, તમે મારા મુદલ તથા વ્યાજના રૂ. ૨.૫૦ લાખ આપતા નથી, જેથી તું તથા તારી પત્ની બન્ને તમારૂ મકાન મારી પાસે ગીરવે મુક્યાનું લખાણ કરી આપો. આધેડે કહ્યું હતું કે, મારી પાસે એક જ મકાન છે જેથી ગીરવે મૂકી શકું નહીં જેથી રમેશે ધમકી આપી હતી કે, તું મકાન મારા નામે નહીં કરી આપ તો તારા દિકરાને મારી નાખીશ. જેથી દંપતી ડરી જતાં રમેશભાઇએ તા.૦૬/૧૦/૨૦૨૩ ના રોજ કોઇ વકીલની ઓફિસે આધેડ તથા તેના પત્નીને બોલાવી બળજબરીપુર્વક અમારી મરજી વિરૂધ્ધ મારૂ મકાન રમેશભાઈએ ગીરવે લખાવી લીધુ હતું. બનાવ અંગે આધેડની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.




રમેશ સામે ઉઘરાણી માટે ઘરે જઇ પ્રૌઢની

પત્ની પર દુષ્કર્મ આચર્યાનો ગુનો નોંધાયો હતો



વ્યાજખોર રમેશ પંચાળાએ તાજેતરમાં જ વિંછીયામાં રહેતા 54 વર્ષીય પ્રૌઢને પુત્રના લગ્ન અને સારવાર માટે કુલ રૂ. 1.60 લાખ 20 ટકા વ્યાજે આપ્યા હતા. બાદમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા ઘરે ધસી જઈ પ્રૌઢની પત્ની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે વીંછિયા પોલીસ મથકે જ વ્યાજ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application