17 નર સિંહ, 17 માદા સિંહ અને 28 સિંહબાળના મોત એક વર્ષમાં
ગુજરાતનું ગૌરવ ગણાતા અને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એશિયાટિક સિંહો હાલ ગંભીર બિમારીઓના ભરડામાં આવી ગયા છે. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, છેલ્લા એક જ વર્ષમાં વિવિધ પ્રકારના રોગોના કારણે કુલ 62 સિંહોનાં કરૂણ મોત નીપજ્યાં છે. આ ચોંકાવનારા અહેવાલથી વન્યજીવ પ્રેમીઓમાં અને પ્રશાસનમાં ભારે ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા વિધાનસભામાં પૂછવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં આ માહિતી બહાર આવી છે. વન વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, જુલાઈ 2026ની સ્થિતિએ પૂરા થયેલા એક વર્ષમાં કુલ 62 સિંહોનાં મૃત્યુ થયાં છે, જેમાં 17 નર સિંહ, 17 માદા સિંહ અને 28 સિંહબાળકોનો સમાવેશ થાય છે.
મૃત્યુ પામેલા સિંહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક ગંભીર બિમારીઓ સામે આવી છે. સિંહોના જીવ લેનારા મુખ્ય રોગોમાં ન્યુમોનિયા, હેમોરેજિક ન્યુમોનિયા, એનિમિયા, કિડની ફેલ્યોર, મલ્ટી ઓર્ગન ડિસફંક્શન ફેલ્યોર, સેપ્ટિસિમિયા, હેપેટો-રીનલ ડિસફંક્શન, પેરાલિસિસ, એસાઈટીસ, ગેસ્ટ્રોએન્ટેરિટિસ અને રાઉન્ડ વોર્મ ઇન્ફે્સ્ટેશન સામેલ છે. આ ઉપરાંત, માયોકોર્ડિયલ ઇન્ફેકશન, સેન્ટ્રલ નર્વ સિસ્ટમ ડિસઓર્ડર, બ્રોન્કો-ન્યુમોનિયા, એક્યુટ ઇલનેસ અને સેપ્ટિક શોક જેવા અત્યંત ખતરનાક રોગો પણ સિંહોમાં જોવા મળ્યા હોવાનું પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે.
એક તરફ આટલી મોટી સંખ્યામાં સિંહોનાં મોત થઈ રહ્યા છે, ત્યારે વન વિભાગે દાવો કર્યો છે કે સિંહોના સ્વાસ્થ્યની સતત તકેદારી રાખવામાં આવી રહી છે. સિંહોની સ્વાસ્થ્ય માહિતી મેળવવા માટે નિયમિત અવલોકન કરાય છે અને ત્વરિત સારવાર પણ અપાય છે. રોગોના અટકાયતી પગલાં રૂપે સિંહોને ડી-વોર્મિંગ અને ડી-ટિકિંગ કરવામાં આવે છે, તેમ છતાં આટલી મોટી સંખ્યામાં સિંહોના ભોગ લેવાતા વન્યજીવ સંરક્ષણ સામે મોટા પ્રશ્નાર્થ ઉભો થયા છે.