ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા અંતિમ ચરણમાં છે. ગુરૂવાર સવારથી શરૂ થયેલી પરિક્રમામાં અત્યાર સુધીમા સાડા આઠ લાખ ભાવિકોએ નળ પાણીની ઘોડી વટાવી દીધી છે, અને તળેટી તરફ પહોંચી ગયા છે. પરિક્રમામાં ત્રણ દિવસમાં પાંચ યાત્રીકોના હૃદય રોગથી મોત થયા છે. આવતીકાલે પરિક્રમાનો અંતિમ દિવસ હોવાથી સાવચેતીના ભાગરૂપે આવતીકાલ સવારે સાત વાગ્યા બાદ યાત્રિકોને જંગલમાં પ્રવેશ નહીં મળે.
ભજન ,ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા ગિરનાર પરિક્રમા શનિ-રવિ બે દિવસ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જંગલમાં અમુક પોઇન્ટ પર ભીડના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે વિધિવત પરિક્રમા શરૂ થાય તેના ૧૮ કલાક પૂર્વે શરૂ થઈ હતી જેથી હવે યાત્રિકોનો પડાવ તળેટી તરફ વળી રહ્યો છે. અંતિમ પડાવમાં બોરદેવી મંદિરે અને તળેટી તરફ વધુ ભીડ જોવા મળી રહી છે, જેના કારણે પ્રથમ પડાવમાં માનવ પ્રવાહ ઘટી રહ્યો છે. નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝનો , ગ્રામ્યથી લઈ વિદેશી નાગરિકો પણ લીલી
પરિક્રમા કરવા પહોંચ્યા હતા હતા. હજુ આજે સવારે પણ પરિક્રમા માટે લોકો પહોંચી રહ્યા છે. બે થી અઢી લાખ ભાવિકો પરિક્રમા રૂટ પર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંતિમ ચરણમાં પહોંચેલી પરિક્રમાના કારણે બોરદેવી અને ભવનાથ તળેટી તરફ સતત ભીડ જોવા મળી રહી છે. અને બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન તથા શહેરી વિસ્તારમાં વધુ ટ્રાફિક જોવા મળી રહ્યો છે.
પરિક્રમાના રૂટ ઉપર 56 યાત્રિકોને વીંછીના ડંખ, 950ને તાવ ઝાડા-ઉલટી
પરિક્રમામાં યાત્રિકોના આરોગ્યની તકેદારી માટે ૧૦ કામ ચલાઉ દવાખાના અને ૩૫ પેરા મેડિકલ ટીમ રાખવામાં આવી છે. આરોગ્ય અધિકારી સુતરીયાના માર્ગદર્શન હેઠળ જંગલના વિવિધ રૂટ પર કાર્યરત મેડિકલ ટીમે બીમાર દર્દીઓની સારવાર કરી હતી. પરિક્રમા દરમ્યાન ૫૬ દર્દીઓને વિછીએ ડંખ માર્યો હતો, ચાલીને થાકી જવાથી ૬૯૯૭ લોકોને શરીરમાં દુખાવો થયો હતો, ૧૯૬૭ ભાવિકોને શરદી, ૭૨૧ને તાવ,૧૨૨ ને ઝાડા, ૧૦૭ ને ઉલટી, ૫૬ દર્દીઓને ઝાડા ઉલટી થયાના કિસ્સામા તબીબી સારવાર આપવામાં આવી હતી. માળવેલા, ઘોડી વિસ્તારમાં અને ગિરનાર પર્વત પર પણ આરોગ્યની ટીમ દ્વારા અપાયેલ સારવારથી આરોગ્ય તંત્રની અને તબીબોની કામગીરીની દર્દીઓએ કામગીરીની સરાહના કરી હતી.
આવતીકાલે સવારથી પરિક્રમા ગેટ બંધ કરાશે
આમ તો પરિક્રમા વિધિવત પૂનમના દિવસે પૂર્ણ થાય છે. પરંતુ તળેટીના લાંબા પડાવમાં લોકોને મુશ્કેલી ના પડે તે માટે આવતીકાલ સવારે સાત વાગ્યાથી જ જંગલમાં પ્રવેશ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને વન વિભાગ દ્વારા સવારથી જ ગેટ બંધ કરી દેવામાં આવશે.
પાંચ પરિક્રમાર્થીના મૃત્યુ
પરિક્રમામાં વિસનગરના રહેવાસી ચિરાગ ભીખાભાઈ રાવલનું ભવનાથ પાર્કિંગ ગ્રાઉન્ડમાં હૃદય રોગ તથા ટીબીની બીમારીથી મોત થયું હતું. જૂનાગઢના મંજુલાબેન વિઠ્ઠલભાઈ ચોટલીયા (ઉં.વ.૬૫)નું નળ પાણીની ઘોડીએ, રાજકોટના લતાબેન સુરેશભાઈ સરવૈયા (ઉં.વ.૪૮) નો બોરદેવી મંદિર પાસે, મહારાષ્ટ્રના પુનેના
અબ્બા ગવને (ઉં.વ.૬૮)નું ભવનાથ તળેટી નિંદ્રા સ્કૂલ હોસ્ટેલ પાસે, બાબુરામભાઈ મહાદેવભાઇ માલી (ઉં.વ.,૭૪) નળ પાણીની ઘોડીએ હૃદય રોગથી મોત થયું હતું. ગુરુવાર સવારથી શરૂ થયેલી પરિક્રમાના ત્રણ દિવસમા પાંચ યાત્રિકોના મોત થયા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એમ્બ્યુલન્સ મારફત મૃતકોને તળેટી અને સિવિલ હોસ્પિટલે મોકલવાની કાર્યવાહી કરી હતી.