BREAKING NEWS

નશાના સોદાગરોની ખેર નહીં: ડિટેક્શનથી લઈ કન્વિક્શન સુધી કોઈ કચાસ નહીં રખાય

  • November 23, 2026 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નશાના સોદાગરો સામે રાજ્યભરની પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે માત્ર એનડીપીએસના કેસ શોધવા પૂરતી જ વાત મર્યાદિત ન રાખી નશાના વેપલામાં સંડોવાયેલા શખસો કાનૂની આંટીઘૂંટીનો લાભ લઈ છૂટી ન જાય તે માટે ડિટેક્શનની સાથે કન્વિક્શન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા પોલીસ માટે ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન અને કન્વિક્શન વિષય પર એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લાના ૨૪ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ, પીએસઆઈ, રાઇટર અને ડી-સ્ટાફના મળી કુલ ૨૫૦ જેટલા અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.


રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં મુખ્ય વક્તા એડવોકેટ ભગીરથસિંહ ડોડિયા દ્વારા એન.ડી.પી.એસ. એક્ટની મહત્ત્વની જોગવાઈઓ, રેઇડ તથા સર્ચની કાનૂની કાર્યવાહી, મુદ્દામાલ જપ્તી અને સેમ્પલિંગની પ્રક્રિયા, પંચનામું, ચેઇન ઓફ કસ્ટડી, એફ.એસ.એલ. રિપોર્ટ અને ચાર્જશીટ સમયે રાખવાની કાળજી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તપાસમાં રહી જતી નાની ક્ષતિઓને કારણે આરોપીઓ કોર્ટમાંથી છૂટી ન જાય અને વધુમાં વધુ કેસોમાં સજા થાય તે માટે ઉદાહરણો સાથે સમજ આપવામાં આવી હતી. એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, નાર્કોટિક્સ ડ્રગ્સનું દૂષણ યુવાધન અને સમાજ માટે ગંભીર ખતરો છે, જેને જડમૂળથી નાબૂદ કરવા બાતમીદારોનું નેટવર્ક મજબૂત બનાવી અસરકારક કામગીરી કરવી જરૂરી છે.


ડ્રગ્સના દૂષણને સંપૂર્ણ ખતમ કરવા હવેથી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં એસઓજી, એન્ટી નાર્કોટિક્સ વિંગ, સ્થાનિક પોલીસ સ્ટેશનો તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમો સંકલનમાં રહી સંયુક્ત કામગીરી કરશે. સાયબર ક્રાઇમ ટીમ દ્વારા પેડલરોના મોબાઇલ, સોશિયલ મીડિયા અને ઓનલાઇન નાણાકીય વ્યવહારોનું ટેકનિકલ એનાલિસિસ કરી ડ્રગ્સ સપ્લાય કરતી સમગ્ર ચેઇન સુધી પહોંચવા પ્રયાસ કરવામાં આવશે.


આ તાલીમમાં જસદણ એએસપી નવીન ચક્રવર્તી, ડીવાયએસપી વી. જે. વ્યાસ, કે. જી. ઝાલા, આર. એ. ડોડિયા અને શ્રીજીતા પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે નશીલા પદાર્થોના વેચાણ કે હેરાફેરી અંગે કોઈ માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન, એસઓજી રાજકોટ ગ્રામ્ય અથવા રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન 'માનસ'ના ટોલ-ફ્રી નંબર ૧૯૩૩ પર જાણ કરવી, માહિતી આપનારનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.


પાંચ વર્ષમાં રૂ.૧૩,૬૦૦ કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

નશામુક્ત ગુજરાત ઝુંબેશ અંતર્ગત દરેક જિલ્લામાં એનડીપીએસ ગુનાઓ શોધી કાઢવા માટે 'એન્ટી નાર્કોટિક્સ વિંગ'ની રચના કરાઈ છે. ઓછા જથ્થાના કેસોમાં પણ કડક કાર્યવાહી કરવા 'ઝીરો ટોલરન્સ' અભિગમ અપનાવવા સૂચના અપાઈ છે, તેમજ રીઢા ડ્રગ્સ ગુનેગારો વિરુદ્ધ પીઆઈટી હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે ૩,૧૦૦થી વધુ કેસો નોંધી ૫,૩૦૦થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે અને આશરે રૂ.૧૩,૬૦૦ કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ યુવાનો સુધી પહોંચતું અટકાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application