રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં કેટરર્સમાં કામ અપાવવાના બહાને એક ૧૨ વર્ષની માસૂમ સગીરાને લાલચ આપીને તેને દેહવ્યાપારના ગંદા દૂષણમાં ધકેલી દેવામાં આવી હતી. પાડોશમાં જ રહેતી એક મહિલાએ પોતાની બહેનપણી સાથે મળીને આઘાતજનક કૃત્ય આચર્યું હતું. સગીરાને ચાર દિવસ સુધી એક મકાનમાં કેદ રાખીને તેની પાસે બળજબરીથી દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
આ પ્રકરણમાં ભોગ બનનાર સગીરા અત્યંત સામાન્ય અને શ્રમિક પરિવારમાંથી આવે છે. પીડિતાની માતા એક કારખાનામાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક સહયોગ આપે છે, જ્યારે પિતા માર્કેટિંગ યાર્ડમાં હમાલી કે મજૂરી કામ કરે છે. આ ગરીબ દંપતીને સંતાનમાં બે દીકરીઓ છે, જેમાં મોટી દીકરી ૧૨ વર્ષની છે અને નાની દીકરી ૫ વર્ષની છે. માતા-પિતા બંને રોજીરોટી કમાવવા માટે આખો દિવસ ઘર બહાર મહેનત કરતા હોય છે, અને આ જ મજબૂરીનો લાભ બદઈરાદા ધરાવતા લોકોએ ઉઠાવ્યો હતો.
અપહરણ અને અમાનવીય અત્યાચારની શરૂઆત
ગત ૧૧ સપ્ટેમ્બરના રોજ સવારના ૧૧ વાગ્યાના સુમારે પાડોશી મહિલા સગીરાને કેટરિંગના કામની લાલચ આપીને ગોંડલ ચોકડી લઈ ગઈ હતી. ત્યાંથી રિક્ષામાં બેસાડીને તેને આજીડેમ ચોકડી પર લઈ જવામાં આવી, જ્યાંથી એક અજાણ્યો યુવક પોતાના એક્ટિવા વાહન પર બેસાડીને બંનેને માંડા ડુંગર વિસ્તારના એક મકાનમાં લઈ ગયો હતો. આ મકાનમાં સતત ચાર દિવસ સુધી પાડોશી મહિલા અને તેની બહેનપણી દ્વારા અલગ-અલગ પુરુષોને બોલાવવામાં આવતા હતા. આ નરાધમો સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બંધાવતા હતા અને બદલામાં નાણાં વસૂલતા હતા. આ ક્રૂરતાના બદલામાં પીડિત બાળકીને માત્ર ૫૦૦ રૂપિયા આપવામાં આવતા હતા.
શંકાની શરૂઆત અને માતાની દોડધામ
આ ભયાનક ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગત ૧૪ સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે દોઢ વાગ્યા આસપાસ માતા કામ પર હતી ત્યારે પાડોશી મહિલાનો શંકાસ્પદ ફોન આવ્યો હતો. તેણે પૂછ્યું કે તમારી દીકરી ક્યાં છે? માતાએ દાદીના ઘરે હોવાનું જણાવતા પાડોશીએ કહ્યું કે દીકરી ત્યાં નથી પરંતુ કોઈની સાથે ક્યાંક જાય છે. ત્યારબાદ પાડોશીએ કહ્યું કે બાજુની સોસાયટીની એક મહિલા તેને લઈ જાય છે, જેથી માતા ગભરાઈને તુરંત કારખાનેથી ઘર તરફ દોડી આવી હતી. ગોંડલ ચોકડી પાસે આવેલા ભારત પેટ્રોલપંપ આસપાસ ભારે શોધખોળ કરવા છતાં દીકરી ન મળતા માતા-પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા અને પરત ઘરે આવ્યા હતા.
સત્ય બહાર આવતા પરિવારનો આઘાત
સાંજના ૬ વાગ્યા આસપાસ પેલી પાડોશી મહિલા જ સગીરાને લઈને તેના ઘરે પરત આવી હતી. માતાએ ગુસ્સામાં અને ચિંતામાં દીકરીને ક્યાં લઈ ગયા હતા તેમ પૂછતાં તેણે લુચ્ચાઈપૂર્વક જણાવ્યું કે તે દીકરીને કેટરિંગના કામમાં લઈ ગઈ હતી અને હાથમાં રોકડા ૫૦૦ રૂપિયા મૂકી દીધા હતા. માતાએ કેટરિંગ વાળાના ફોન નંબર માંગતા મહિલા નંબર આપવાનું ટાળીને ત્યાંથી જતી રહી હતી. થોડીવાર પછી પિતા પણ ઘરે આવી પહોંચ્યા હતા. માતા-પિતાએ દીકરીને બંધબારણે પ્રેમથી પૂછપરછ કરતા તે જોર-જોરથી રડી પડી હતી. માતાએ તેને ડર્યા વગર સાચી હકીકત જણાવવા હિંમત આપતા બાળકીએ ચાર દિવસ દરમિયાન પોતાની સાથે થયેલી તમામ આપવીતી વર્ણવી હતી.
પોલીસ કાર્યવાહી અને કાયદાકીય પગલાં
માસૂમ દીકરીના મોઢેથી અમાનવીય અત્યાચારની વાત સાંભળીને માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવાર દ્વારા તાત્કાલિક આ અંગે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ગંભીર બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આજીડેમ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે પોક્સો એક્ટ (POCSO) અને ભારતીય ન્યાય સંહિતાની સખત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ત્વરિત ચક્રો ગતિમાન કરીને આઘાતજનક ગુનાને અંજામ આપનાર બંને આરોપી મહિલાઓની ધરપકડ કરી લીધી છે અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.