ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ગત રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. સીદસર નજીક આવેલા વાળુકડ ગામે ૨૮ માર્ચની રાત્રિએ ૨૯ વર્ષીય યુવાન રવિભાઈ અનિલભાઈ ક્લોતરાની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
જાહેરમાં આડેધડ છરીના ઘા ઝીંક્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક રવિભાઈ ક્લોતરા (ઉં.વ. ૨૯) પોતાની મોપેડ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ત્રણ અજાણ્યા હુમલાખોરોએ તેમને આંતર્યા હતા. હુમલાખોરોએ કાંઈ પણ વિચાર્યા વગર તીક્ષ્ણ હથિયારો વડે રવિભાઈ પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ યુવાનના પેટના ભાગે ઉપરાઉપરી અનેક ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે રવિભાઈ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.
વીડિયોમાં કેદ થઈ હત્યારાઓની ક્રૂરતા
આ હત્યાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે હુમલો થઈ રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે આ આખી ઘટના પોતાના મોબાઈલમાં શૂટ કરી લીધી હતી. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તાની વચ્ચે યુવકની મોપેડ પડી છે. ત્રણ શખ્સો હથિયાર વડે યુવક પર જીવલેણ હુમલો કરી રહ્યા છે. એક સ્થાનિક વ્યક્તિએ હુમલાખોરોને રોકવાનો અને યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરોએ તેને પણ ન ગણકારી હુમલો ચાલુ રાખ્યો હતો. કૃત્યને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ પોતાની મોપેડ પર સવાર થઈ અંધારામાં ફરાર થઈ ગયા હતા.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે: તપાસના ચક્રો ગતિમાન
બનાવની ગંભીરતાને ધ્યાને લેતા ASP ઘનશ્યામ ગૌતમ, સીટી Dy.SP અને વરતેજ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.
ASP ઘનશ્યામ ગૌતમે જણાવ્યું હતું કે, "વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના વાળુકડ ગામમાં બનેલી આ ઘટના અંગે FIR નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આરોપીઓને ઓળખી કાઢવા અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી દેવામાં આવી છે."
હત્યાનું કારણ હજુ અકબંધ
પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. અંગત અદાવત કે અન્ય કોઈ કારણોસર આ હત્યા કરવામાં આવી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે આરોપીઓના સગડ મેળવવાના પ્રયાસો તેજ કર્યા છે. શાંત ગણાતા ભાવનગર પંથકમાં જાહેરમાં થયેલી આ હત્યાએ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.