BREAKING NEWS

જેતલસર જંકશનનો કિંગ છું, બુટલેગર છું, કાલે જ પોલીસવાળાને મારી મારીને ભાંગી નાખ્યોઃ બુટલેગરે પ્રૌઢને ધમકી આપી

  • October 09, 2026 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં કાર સામસામે આવી જતા પ્રૌઢે સામે જોતા બુટલેગરેપ્રૌઢને હું જેતલસર જંકશનનો કિંગ છુ, બુટલેગર છુ, કાલે જ પોલીસવાળાને માર મારીને ભાંગી નાખ્યો એક કેસ વધારે થશે તો ફેર નહીં પડે કહી ધમકી આપી હતી. એટલું જ નહીં જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહેતા જેતપુર તાલુકા પોલીસે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


જેતપુરમાં બાપુની વાડી પાસે ખોડીયાર મંદિર પાસે રહેતા મનોજકુમાર પુંજાભાઈ પારઘી (ઉ.વ.53) દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતલસર જંકશનમાં રહેતા બ્રિજરાજસિંહ લક્ષ્મણસિંહ જાડેજાનું નામ આપ્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તા. 1-10 ના સવારના 9 વાગ્યે તેમના પત્નીને રાજકોટ ટ્રેનમાં જવાનું હોય જેથી તે પોતાની કારમાં પત્નીને લઈ જેતલસર જંકશન મુકવા જતા હતા. દરમિયાન ધવલ સ્કૂલવાળા રસ્તેથી રેલવે ફાટક ક્રોસ કરી આગળ જતા સામેથી એક કાર પૂરપાટ ઝડપે આવી હતી અને અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો. ફરિયાદીએ પોતાની કાર ડાબી સાઈડમાં નીચે ઉતારી દીધી હતી અને આ કારચાલક સામે જોયું હતું. બાદમાં કારચાલકે ફરિયાદી પાસે આવી કહ્યું હતું કે, તારે જે થાય તે કરી લેવાનું મારી સામે ક્યારેય આવતો નહીં નહિતર જીવતો નહીં જવા દઉં. તું તારા સમાજનો આગેવાન અને પત્રકાર છે તો શું હવા આવી ગઈ છે? પરંતુ ફરિયાદીને સમયસર રેલ્વે સ્ટેશન પહોંચવું હોય જેથી તેઓ અહીંથી નીકળી ગયા હતા.


પત્નીને ટ્રેનમાં બેસાડી પરત આવતા સમયે રેલવે ફાટક બંધ હોય તેઓ ત્યાં ઉભા હતા દરમિયાન આ કારચાલક ફરી મળી જતા તેણે કાર આગળ ચલાવી રેલવે ટ્રેક ઉપર રસ્તાની વચ્ચે પોતાની કાર ઉભી રાખી દઇ ફરિયાદીને કહેવા લાગ્યો હતો કે, આ જેતલસર જંકશનનો કિંગ છું અને બુટલેગર પણ છું. મારી ઉપર જાજા પોલીસ કેસ થઈ ગયા છે અને કાલે જ પોલીસવાળાને મારી મારીને ભાંગી નાખ્યો અને એક કેસ વધારે થાય તો મને કંઈ ફેર પડશે નહીં તેમ કહી ફરિયાદીને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. બાદમાં ફરિયાદીએ તપાસ કરતા કારચાલકનું નામ બ્રિજરાજસિંહ જાડેજા હોવાનું માલુમ પડતા તેણે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ધમકી અને એટ્રોસિટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application