ઝારખંડના ગિરિડીહ જિલ્લાના પારસનાથ સ્થિત પવિત્ર તીર્થસ્થળ શિખરજીમાં મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જૈન શ્રદ્ધાળુઓની બસ ઝાડ સાથે અથડાતા ગુજરાતના સુરત શહેરના રહેવાસી બાબુલાલ વંશરાજ જૈન અને તેમના પત્ની બદામી દેવીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે 12થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા.
મળતી માહિતી મુજબ, ગુજરાતથી જૈન શ્રદ્ધાળુઓનું એક મોટું જૂથ રવિવારે શિખરજીની યાત્રાએ પહોંચ્યું હતું, જેમાં કુલ 10 વાહનો સામેલ હતા. શિખરજીની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ તમામ જૈન શ્રદ્ધાળુઓ મોડી રાત્રે ટાટાનગર જઈ રહ્યા હતા, જ્યાંથી તેમને ટ્રેન પકડીને પરત ગુજરાત આવવાનું હતું. આ જ કાફલામાં સામેલ એક બસ અકસ્માતનો ભોગ બની હતી. મધુબન પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણ નિકેતન નજીક મુસાફરોથી ભરેલી આ બસ અચાનક ચાલકના કાબૂ બહાર જઈને રસ્તા કિનારે આવેલા એક વૃક્ષ સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસ વિપરીત દિશામાં ફંટાઈને રસ્તા કિનારે આવેલા ખાડામાં એક તરફ નમીને લટકી ગઈ હતી. બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને આ અકસ્માતમાં સુરતના દંપતીએ જીવ ગુમાવ્યો હતો.
અકસ્માત સર્જાતા જ બસમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. ઘણા મુસાફરો ક્ષતિગ્રસ્ત બસની અંદર ફસાઈ ગયા હતા, જ્યારે કેટલાક ઘાયલ મુસાફરો બસની બારીમાંથી કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 12થી વધુ શ્રદ્ધાળુઓને ઈજાઓ પહોંચી છે, જેમાંથી બે મુસાફરોની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ મધુબન પોલીસ સ્ટેશનના પ્રભારી મણિલાલ સિંહ, ડુમરી એસડીઓપી આબિદ ખાન અને પીરટાંડ પોલીસ સ્ટેશનના પ્રભારી જિતેન્દ્ર સિંહ સહિત આસપાસના પોલીસ સ્ટેશનોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક ગ્રામજનો પણ માનવતા દાખવીને રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા. પોલીસ અને ગ્રામજનોએ ભારે જહેમત બાદ બસમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
બચાવ કામગીરી બાદ તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ અને અન્ય ખાનગી વાહનોની મદદથી તાત્કાલિક પીરટાંડ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની ટીમે તેમની સારવાર શરૂ કરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા બે મુસાફરોની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારી સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલે ડુમરી એસડીપીઓ આબિદ ખાને વિગતો આપતા જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓનું આશરે 10 વાહનોનું જૂથ શિખરજીની યાત્રા પૂર્ણ કરીને ટાટાનગર પરત ફરી રહ્યું હતું, તે દરમિયાન જૂથમાં સામેલ એક બસ અનિયંત્રિત થઈને ઝાડ સાથે અથડાઈ ખાડામાં નમી ગઈ હતી. હાલ પોલીસે અકસ્માતગ્રસ્ત બસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે અને આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.