કોમ્યુનિકેશન સિસ્ટમમાં વધી રહેલા ટેકનિકલ બદલાવના સમયમાં 'ટપાલી ટપાલ લાવ્યો...' નો જૂનો ખ્યાલ હવે બદલાઈ રહ્યો છે. નવી ભૂમિકામાં ટપાલીઓ વધુ સ્માર્ટ અને આધુનિક દેખાશે. પરંપરાગત ટપાલ વ્યવસ્થા હવે પહેલા જેટલી સુસંગત રહી નથી, આથી સરકાર હવે ટપાલીઓને નવા કામ સોંપવા જઈ રહી છે. આ નવી વ્યવસ્થા હેઠળ ટપાલીઓ ઘરે-ઘરે દવાઓથી લઈને મોબાઈલ સિમ કાર્ડ સુધીની સુવિધાઓ પહોંચાડશે.
હાલમાં ટપાલીઓ ટપાલ પહોંચાડવાના કામ ઉપરાંત આઠ ક્ષેત્રોમાં 20થી વધુ સેવાઓ આપી રહ્યા છે. આવનારા સમયમાં 10 નવા ક્ષેત્રોમાં 20થી વધુ નવી સુવિધાઓની જવાબદારી તેમને સોંપવામાં આવશે. કેટલાક કામ પર પહેલેથી જ શરૂઆત થઈ ચૂકી છે, અને જે સુવિધાઓ હાલ માત્ર અમુક જ સ્થળોએ ઉપલબ્ધ છે, તે ભવિષ્યમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ટપાલીઓને વધુ જવાબદાર બનાવવા માટે નિયમોમાં પણ ફેરફાર કર્યા છે, જેથી ટપાલ અથવા અન્ય સામાન પહોંચાડવામાં બેદરકારી દાખવવા સામે કડક કાર્યવાહી થઈ શકે.
ગામડાઓથી લઈને શહેરો સુધી ટપાલીઓને જે નવી સુવિધાઓની જવાબદારી મળવાની છે તેમાં દવાઓની ડિલિવરી મહત્વની છે. શહેરોથી માંડીને ગ્રામીણ વિસ્તારોમાં દવા પહોંચાડવામાં આવશે અને અમુક રાજ્યોમાં તેનો પ્રયોગ પણ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત, ગામડાઓ અને શહેરોમાં ઈ-કોમર્સ હેઠળ વિવિધ ઉત્પાદનોની ડિલિવરી કરવામાં આવશે. આ કામ માટે સંબંધિત કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે અને સમજૂતી કરાર થયા બાદ આ સેવા શરૂ થશે.
બેંકિંગ સેવાઓની વાત કરીએ તો, ટપાલીઓ મારફતે બેંક ખાતું ખોલાવવા સહિતની અન્ય બેંકિંગ સેવાઓ આપવામાં આવશે, જે ગ્રાહકોની માગ પર આધારિત રહેશે. આધાર સંબંધિત સુવિધાઓ હેઠળ પાંચ વર્ષ સુધીના બાળકોના આધાર કાર્ડ બનાવવા, તેમાં સુધારા કરવા અને બાયોમેટ્રિક સેવાઓ આપવામાં આવશે, જેના પર કામ શરૂ થઈ ગયું છે. પાર્સલ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં હાલની ડિલિવરી કામગીરીથી આગળ વધીને ઘરેથી પાર્સલ એકત્ર કરવા, તેને મોકલવા અને સંગ્રહ કરવા સંબંધિત સેવાઓ અપાશે.
ટેલિકોમ સુવિધાઓ હેઠળ ટપાલીઓ દ્વારા મોબાઈલ સિમ ઉપલબ્ધ કરાવવા અને બિલ ચૂકવવા જેવી સેવાઓ ગ્રાહકોને માગ મુજબ પૂરી પાડવામાં આવશે. આંકડાઓ પર નજર કરીએ તો, દેશમાં હાલ 4.50 લાખથી વધુ ટપાલીઓ કાર્યરત છે, જેમાંથી 1.90 લાખથી વધુને બાયોમેટ્રિક ઉપકરણો મળ્યા છે. ટપાલીઓ હાલ આઠ ક્ષેત્રોમાં 20થી વધુ સેવાઓ આપી રહ્યા છે અને 10 ક્ષેત્રોમાં 20થી વધુ નવી સેવાઓ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.
નવી સેવાઓ ઉપરાંત પોસ્ટમેન હાલ પણ ઘણી આધુનિક સુવિધાઓ આપી રહ્યા છે. તેમને સ્માર્ટ ફોન અને ડિજિટલ વ્યવહારોની સુવિધા આપવામાં આવી છે. ડિજિટલ હસ્તાક્ષરની સુવિધા અને ઓટીપી ચકાસણી વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. ઘરે બેઠા રોકડ ઉપાડવાની સુવિધા, ક્યુઆર કોડ દ્વારા ચુકવણી અને ડિજિટલ ટ્રેકિંગ જેવી સેવાઓ પણ ચાલી રહી છે. આ સાથે 'ડાક મિત્ર' મોબાઈલ એપ દ્વારા પણ ડિજિટલ સુવિધાઓ આપવામાં આવી રહી છે.