BREAKING NEWS

જામનગર: સોયલ ટોલનાકા પાસે દારૂની ૧૫૦૦ પેટી ભરેલો ટ્રક પકડાયો

  • November 23, 2026 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સોયલ ટોલનાકા પાસે દારૂની ૧૫૦૦ પેટી ભરેલો ટ્રક પકડાયો

પોરબંદર પંથકના શખ્સની અટક : અધધ ૭૨ હજાર બોટલો સહિત ૮૨ લાખનો મુદામાલ કબ્જે : રાણપરના બે અને રાજસ્થાનના સપ્લાયર સહિત ત્રણના નામ ખુલ્યા 

ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા પાસે દારૂનો જથ્થો ભરીને ટ્રક પસાર થવાનો છે એવી ચોકકસ બાતમીના આધારે સ્થાનીક પોલીસે વોચ ગોઠવીને ટ્રક રોકી ચેક કરતા તેમાથી અધધ ૭૨ હજાર શરાબની નાની બોટલો મળી આવતા પોરબંદરના બાવળવાવના શખ્સને દબોચી લીધો હતો, પોલીસ દ્વારા કુલ ૮૨ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે, મોટી માત્રામાં શરાબનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી હતી, તપાસ દરમ્યાન દારૂ મંગાવનાર રાણપરના બે અને મોકલનાર રાજસ્થાનના શખ્સની સંડોવણી સામે અવી છે તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

રેન્જ આઇજી નિર્લિપ્તરાયની સુચના મુજબ જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ દારૂ-જુગારની પ્રવૃતીઓ નાબુદ કરવા સુચના આપેલ હોય, ઇન્ચાર્જ ગ્રામ્ય ડીવાયએસપી મિત રૂદલાલના માર્ગદર્શન મુજબ ધ્રોલ પીઆઇ પી.એન. ખાચરની રાહબરી હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન ધ્રોલના હેડ કોન્સ. રાજેશ મકવાણા, કલ્પેશ કામરીયા, હરદેવસિંહ જાડેજા, રઘુવીરસિંહ ઝાલા તથા નાગજીભાઇ ગમારાને સંયુકત બાતમી મળેલ કે રાજકોટ તરફથી એક ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જામનગર તરફ જઇ રહયો છે, જે બાતમીના આધારે ટીમ દ્વારા સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી, સદર ટ્રક નિકળતા તેને રોકી ચેક કરતા તેમાથી શરાબની ૭૨ હજાર નાની બોટલો ભરેલ મળી આવી હતી.

આથી ડ્રાઇવર પોરબંદર તાલુકાના બાવળવાવ ગામના ભગીરથ ઉર્ફે ભગો નાથા કટારા (ઉ.વ.૨૩)ને દબોચી લીધો હતો, વિદેશી શરાબની ૧૫૦૦ પેટી જેની કિ. ૭૨ લાખ અને ટ્રક નં. જીજે૨૫યુ-૮૮૧૧ કિ. ૧૦ લાખ અને એક મોબાઇલ, તાલપત્રી મળી કુલ ૮૨.૦૫,૫૦૦નો મુદામલ કબ્જે કરી પુછપરછ હાથ ધરી હતી.
​​​​​​​
તપાસ દરમ્યાન દારૂનો જથ્થો મંગાવનાર દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના આલા ખીમા કોડીયાતર, જથ્થો મંગાવનાર રાણપરના પોપટ આલા કોડીયાતર અને દારૂ મોકલનાર રાજસ્થાન ભીલવાડાના રાજુ મારવાડીના નામ ખુલ્યા હતા જે ત્રણેયને ફરાર જાહેર કરાયા છે. માતબર શરાબનો જથ્થો ઝડપાતા ભારે ચકચાર મચી જવા પામી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application