BREAKING NEWS

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થીને ત્રણ સહપાઠીએ માર માર્યો, બ્લેડના ઘા કરી શર્ટના બટન તોડ્યા

  • February 06, 2026 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત ગંભીર વિવાદમાં આવી છે. સ્કૂલ પરિસરમાં ધોરણ સાતના એક વિદ્યાર્થી પર ત્રણ સહવિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વિદ્યાર્થી મોનીટર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. તેણે અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રહેવા માટે કહ્યું હતું, જેને લઈ ત્રણ વિદ્યાર્થીઓએ મનમાં અદાવત રાખી હતી.


આ અદાવતના પરિણામે ત્રણેય વિદ્યાર્થીઓએ ભોગ બનનાર વિદ્યાર્થીને ઘેરી લીધો હતો. હુમલામાં વિદ્યાર્થીઓએ શર્ટ પર બ્લેડ માર્યો હોવાનું અને તેના શર્ટના બટન તોડી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે. ઘટનાથી સ્કૂલમાં હડકંપ મચી ગયો હતો.


મહત્વનું છે કે સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક હોવા છતાં આ પ્રકારની ગંભીર ઘટના સામે આવતાં શાળા વહીવટની બેદરકારી સામે સવાલો ઊભા થયા છે. ઘટનાને લઈને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણ વિદ્યાર્થીઓ સામે લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.


બનાવની જાણ થતાં અમદાવાદ શહેરની ડીઇઓ કચેરી તત્કાલ હરકતમાં આવી હતી. ડીઇઓ કચેરીની એક ટીમ સ્કૂલ પરિસરમાં પહોંચી હતી અને ઘટનાસ્થળની તપાસ કરી હતી. ટીમ દ્વારા આક્ષેપિત વિદ્યાર્થીઓને બોલાવી તેમના નિવેદન લેવામાં આવશે તેમજ અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના નિવેદનો પણ લેવામાં આવશે.

આ મામલે અમદાવાદ શહેર ડીઇઓ રોહિત ચૌધરીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્કૂલના પ્રિન્સિપાલ અને એડમિનને નોટિસ ફટકારી છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે આ પ્રકારની ગંભીર બેદરકારી બદલ તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી કેમ ન કરવામાં આવે. સમગ્ર ઘટનાને લઈને શિક્ષણ વિભાગ અને પોલીસ બંને દ્વારા તપાસ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News