રાજકોટ શહેરના આજીડેમ કાઢેથી ગત તારીખ ૨૧- ૮ ના વૃધ્ધાની લાશ મળી આવી હતી જે ઘટનામાં આજીડેમ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા લૂંટ વિથ મર્ડરની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. અગાઉ બાળકી પર દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારી દેવા સહિત હત્યાના ત્રણ બનાવને અંજામ આપનાર વિકૃત માનસિકતા ધરાવતા રીક્ષા ચાલક રમેશ બચુભાઈ વૈધુકિયા (ઉ.વ. 33 રહે. બ્રહ્માણી હોલની સામે, કોઠારીયા મૂળ ભિમામ તા. કાલાવડ) એ વૃદ્ધાનું અપહરણ કરી બેફામ મારમારી અર્ધબેભાન કર્યા બાદ રિક્ષામાં જ તેમના પર દુષ્કર્મ આચરી હત્યા કર્યા બાદ લાશ ફેંકી દીધી હતી. પોલીસે તપાસ હાથ ધરી નરાધમને ગણતરીની કલાકોમાં ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ચકચારી બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગત તા. 21-8-2026 ના રાજકોટ ભાવનગર હાઇવે પર મોગલ માતાના મંદિર પાસે આજીડેમના કાંઠે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે આજીડેમ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પી.એમ. માટે હોસ્પિટલ ખસેડી વૃદ્ધાની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી હતી. દરમિયાન સાત હનુમાન મંદિર પાસે ઝૂંપડામાં રહેતા અજય રમેશભાઈ સોલંકી નામના વ્યક્તિએ આ વૃદ્ધા તેના દાદીમાં લીલાબેન ટપુભાઈ ઉર્ફે ટીંબુભાઈ સોલંકી (ઉ.વ.76) હોવાનું જણાવ્યું હતું અને ગઈ તા. 19/8/2026 ના સવારના 11 વાગ્યા આસપાસ પોતે પોતાના દાદીમાં લીલાબેનને સાત હનુમાન મંદિર પાસે ભિક્ષાવૃત્તિ માટે બેસતા હોય ત્યાં મુકવા ગયો હતો. સાંજના પાંચેક વાગ્યે મંદિર પાસે જતા દાદીમાં જોવા મળ્યા ન હતા. જેથી તેમની શોધખોળ શરૂ કરી હતી અને તારીખ 20-8 ના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની જાણ પણ કરી હતી.
બીજી તરફ વૃદ્ધાના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ દરમિયાન તબીબોએ તેમના મોત અંગે શંકા વ્યક્ત કરી હતી જેથી બનાવને લઈ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ એસીપી વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ મથકના પીઆઇ એચ.એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ વી.જી. ડોડીયા તથા ટીમે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.
અલગ અલગ ટીમો બનાવી મૃતક લીલાબેન જે જગ્યાએ ગુમ થયા હતા તે જગ્યાના સીસીટીવી કેમેરા તપાસી તેમજ હ્યુમન સોર્સસીનો ઉપયોગ કરતા એવી હકીકત સામે આવી હતી કે, સાત હનુમાન મંદિર બહારથી લીલાબેનને એક રીક્ષા ચાલક પોતાની રિક્ષામાં બેસાડી લઈ જતો જોવા મળ્યો હતો. રીક્ષા નંબરના આધારે તેના માલિક અમન દલ (રહે. બાબરીયા કોલોની શેરી નંબર 7) ને બોલાવી પૂછપરછ કરતા રીક્ષા રમેશને ચલાવવા આપી હોવાનું કહ્યું હતું.
બાદમાં પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા રમેશ વૈધુકીયાની અટકાયત કરી પૂછતાછ કરતા તેણે એવી ચોંકાવનારી કબુલાત આપી હતી કે, ગઈ તા. 19 ના રોજ સાંજે ચારેક વાગ્યે તેણે લીલાબેનનું અપહરણ કર્યું હતું અને રિક્ષામાં બેસાડી અલગ અલગ જગ્યાએ ગયા બાદ બેફામ મારકૂટ કરી હતી. એટલું જ નહીં લાકડાના ધોકાના ઘા ઝીંક્યા હતા. જેના કારણે વૃદ્ધા અર્ધબેભાન થઈ ગયા હતા. બાદમાં ઘટનાસ્થળે લઈ જઈ રીક્ષાની પાછળની સીટમાં વૃદ્ધા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ ફરી મારકૂટ કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા બાદ કપડાંમાં લાશ વીંટાડી આજીડેમના કિનારે ફેંકી રિક્ષા લઈને નાસી ગયો હોવાની ચોંકાવનારી કબુલાત આપી હતી.
આરોપીની આ કબુલાત બાદ આજીડેમ પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલે જાતે ફરિયાદી બની આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપી સામે બાળકીની હત્યા સહિતના ત્રણ ગુના
વૃદ્ધાની હત્યા કરનાર રમેશ વૈધુકીયા સામે અગાઉ હત્યાના ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી રમેશ સામે ચોટીલા પોલીસ મથકમાં વર્ષ 2010માં એક વ્યક્તિની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધા અંગે ગુનો નોંધાયો હતો જે ગુનામાં ફરિયાદી સાથે સમાધાન થઈ જતા નિર્દોષ છૂટ્યો હતો. વર્ષ 2018 ની સાલમાં 70 વર્ષના વૃદ્ધા પાસેથી લૂંટ ચલાવી હત્યા કરી હતી. જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જે કેસમાં સેશન કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યો હતો. વર્ષ 2018 ની સાલમાં જ થોરાળા પોલીસ મથકમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી હત્યા કર્યા બાદ લાશ ફેંકી દીધાનો ગુનો નોંધાયો હતો.
ફાંસીની સજામાં નિર્દોષ છુટયા બાદ ત્રણ માસ પૂર્વે જ જેલમુક્ત થયો હતો
નરાધમ રમેશ વૈધુકિયા સામે વર્ષ 2018માં થોરાળા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની પર પાશવી દુષ્કર્મ આચરી હત્યા કર્યાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં સેશન્સ કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી. જોકે હાઇકોર્ટમાંથી ત્રણેક માસ પૂર્વે જ તે નિર્દોષ છૂટી ગયો હતો. જેલમાંથી બહાર આવતા જ વિકૃત માનસિકતા ધરાવનાર આ શખસે ફરી એક ગંભીર ગુનાને અંજામ આપ્યો છે.
દુષ્કર્મ બાદ દર્દથી કણસતી ત્રણ વર્ષની બાળકીના માથા ભટકાવી હત્યા કરી હતી
વૃધ્ધા પર રિક્ષામાં દુષ્કર્મ આચરી ઘાતકી હત્યા કરનાર રમેશ વૈધુકીયાએ વર્ષ 2018માં શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ તેને પીટીસી પાસેના ગ્રાઉન્ડ પાસે લઈ ગયો હતો.. જ્યાં આવાવરૂ જગ્યાએ માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. દર્દથી કણસતી બાળકી રડતી હોય આ નરાધમે બાળકીને ચૂપ કરાવવા માટે અહીં ઓટા પર બાળકીના માથા પર ભટકાવી તેની નીર્દયતાપૂવર્ક કરી હતી.