રાજકોટ શહેરના કેટલાક ટ્રાફિકથી ધમધમતા રોડ રસ્તા પર ભૂગર્ભ ગટરની ટાંકીઓ અને તેની ઉપર મુકવામાં આવેલી પથ્થરની આડશો અધખુલી કે પછી અકસ્માત સર્જે એ સ્થિતિમાં જોવા મળે છે, જેના કારણે પસાર થતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થઇ રહ્યા છે. તો અનેક સ્થળે અકસ્માતન બનાવ પણ બન્યાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે નવા 150 ફૂટ રીંગ રોડ પર એસઆરપી કેમ્પ નજીક રોડથી ઉંચી પાંચેક ઇંચ જેટલી ગટરની ટેંક ઉંચી રહેતા અને સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે દંપતિને અકસ્માત નડ્યો હતો જેમાં મહિલાનું મોત નિપજતા પરિવાર આક્રંદ સાથે મહાપાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તંત્રની બેદરકારીના લીધે પત્ની નો જીવ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાવ બાદ પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને રોડથી ઉંચી કુંડીને લેવલ કરવામાં આવી હતી.
બનાવની મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલ સરિતા વિહાર વિસ્તારમાં રહેતાં મિતાલીબેન કિશનભાઈ કેસરિયા (ઉં.વ.29)ના ગત તા.6ના પતિ કિશનભાઈ સાથે જમવા માટે મસાલા ડાયરી હોટેલ તરફ જતાં હતાં ત્યારે રસ્તામાં એસઆરપી કેમ્પ નજીક ગ્રીનલીફ ગાર્ડનના ગેટ પાસે રોડ પર આવેલી ભૂગર્ભ કુંડી રોડથી પાંચેક ઇંચ ઊંચું હોવાથી અને સ્ટ્રીટ લાઈટ ન હોવાથી બાઇક કુંડી સાથે અથડાતાં પાછળ બેઠેલા મિતાલીબેન નીચે પટકાતા માથા સહિતના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં લાંબી સારવાર બાદ ગઈકાલે અંતે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરત પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર છે, પતિ કિશનભાઈના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે રસ્તા પર સ્ટ્રીટલાઇટ ચાલુ ન હોવાથી સમગ્ર વિસ્તારમાં અંધારું હતું જેના કારણે કુંડી પણ દેખાઈ નહોતી. આથી બાઈક તેમાં અથડાતા બનાવ બન્યો હતો. બનાવ બનતા સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા ત્યારે અને રોષ પૂર્વક જણાવ્યું હતું કે, અનેક વાર આ બાબતે રજૂઆત કરી છે પરંતુ કોઈ કામગીરી થઇ ન હતી. જો કે અકસ્માત બાદ મહાપાલિકા દ્વારા કુંડીનું સમારકામ કરી રોડનીલેવલ મુજબ કરી દેવામાં આવ્યું હતું. હંમેશા તંત્રને કોઈ જીવલેણ ઘટના બાદ બોધપાઠ મળે ત્યાર બાદ જ નક્કર કામગીરી કરવામાં આવે છે તેનો આ બનાવ વધુ એક પુરાવો બન્યો છે.