ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૬ની જાહેરાત
તા. ૨૭ નવેમ્બર થી ૨૬ ડિસેમ્બર દરમિયાન હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારાશે : ત્રણ રવિવારના રોજ મતદાન મથકો પર ખાસ ઝુંબેશનું આયોજન
પાત્રતા ધરાવતા નાગરિકોને આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી.બી.પંડ્યા દ્વારા અનુરોધ
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા. ૦૧/૦૧/૨૦૨૭ ની લાયકાતના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૭/૧૧/૨૦૨૬ ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવશે. ત્યારબાદ તા. ૨૭/૧૧/૨૦૨૬ થી તા. ૨૬/૧૨/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન નાગરિકો પાસેથી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે.
આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોની સુવિધા માટે ભારતના ચૂંટણી આયોગ દ્વારા ખાસ ઝુંબેશના દિવસો પણ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ તા. ૨૯/૧૧/૨૦૨૬ (રવિવાર), તા. ૦૬/૧૨/૨૦૨૬ (રવિવાર) અને તા. ૧૩/૧૨/૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી તમામ મતદાન મથકો ખાતે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ત્રણેય રવિવાર દરમિયાન બૂથ લેવલ ઓફિસર (BLO) સંબંધિત મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને મતદારોની અરજીઓ સ્વીકારશે.
નાગરિકો મતદારયાદીમાં પોતાનું નવું નામ ઉમેરવા માટે ફોર્મ નં. ૬, મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ નં. ૭ તેમજ મતદારયાદીની કોઈ વિગતોમાં સુધારો કે ફેરફાર કરાવવા માટે ફોર્મ નં. ૮ રજૂ કરી શકશે. આ ઉપરાંત, જે મતદારોને પોતાના આધાર પુરાવા રજૂ કરવાના બાકી હોય તેઓ પણ આ ખાસ ઝુંબેશ દરમિયાન મતદાન મથક પર જઈને બૂથ લેવલ અધિકારી સમક્ષ જરૂરી પુરાવા રજૂ કરી શકશે.
મતદારયાદી ક્ષતિરહિત અને અદ્યતન બને તે માટે તમામ પાત્રતા ધરાવતા નાગરિકો અને મતદારોને આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી.બી.પંડ્યા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.