દિવાળી અને નૂતન વર્ષના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહેતાં માણાવદર શહેર સહિત સમગ્ર પંથકમાં તહેવારોનો માહોલ જામ્યો છે. આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે માણાવદરનાં બજારોમાં ઊમટી પડતાં બજારોમાં ભારે ભીડ અને ધમધમાટ જોવા મળી રહ્યો છે.
શહેરના મુખ્ય વ્યાપારી કેન્દ્રો શાકમાર્કેટ વિસ્તાર અને ઐતિહાસિક કોર્ટવાળી શેરીમાં સવારથી જ ગ્રાહકોની અવરજવર વધી ગઈ છે. દિવાળીની ઉજવણી માટે લોકો ફળો, પૂજાપો, આસોપાલવનાં તોરણો, દીવડાં, રંગોળીના રંગો તેમજ ઘર સુશોભનની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.
ધનતેરસ અને લક્ષ્મીપૂજનના પર્વને અનુલક્ષીને સોની બજારમાં પણ ખરીદીનો માહોલ જામ્યો છે. સોના-ચાંદીના સિક્કા, ઘરેણાં અને પૂજાનાં વાસણોની ખરીદી માટે ગ્રાહકો ઉમટી રહ્યા છે. બીજી તરફ કટલેરી બજારમાં ગિફ્ટ આર્ટિકલ્સ, સૌંદર્ય પ્રસાધનો, પગરખાં અને નવાં વસ્ત્રોની ખરીદીમાં પણ યુવાધન સહિત પરિવારો ઉત્સાહભેર જોડાયાં છે.
લાંબા સમય બાદ બજારોમાં ગ્રાહકોની આવી ચહલપહલ જોવા મળતાં નાના-મોટા વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. ગ્રાહકોને આકર્ષવા વેપારીઓએ દુકાનોને રંગબેરંગી રોશનીથી શણગારી છે. આમ, દિવાળીના પર્વને આવકારવા સમગ્ર માણાવદર શહેર તહેવારોના રંગે રંગાયું છે.