BREAKING NEWS

PSI-પશુપાલક વચ્ચે બાકાજીકી.. લાકડીઓ ઉડી, સામસામે કાઠલા પકડ્યા, મહુવામાં ફિલ્મને ટક્કર મારે એવા મારામારીના દૃશ્યો

  • January 22, 2026 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહુવામાં પીએસઆઇ અને પશુપાલક વચ્ચે બાકાજીકી બોલ્યાની ઘટના સામે આવી છે. બંને વચ્ચે લાકડીઓ ઉડી હતી અને સામસામે કાંઠલા પકડી લીધા હતા. જેને લઈને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ફિલ્મને ટક્કર મારે તેવી દૃશ્યો સર્જાતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મારામારીમાં પીએસઆઇને ઇજા પહોંચી હતી. આથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાને લઈ પીએસઆઇએ પશુપાલક સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે પશુપાલક દ્વારા પણ પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો છે. 


મળતી માહિતી મુજબ, ભાવનગરના મહુવા તાલુકાના મોટા ખુંટવડા પાસે સરકારી ફરજ બજાવી પરત ફરી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI યાદવ અને GRD જવાન પર એક શખસે લાકડી વડે હુમલો કરતાં ચકચાર મચી જવા પામી હતી. જાહેર માર્ગ પર વાહનવ્યવહારને નડતરરૂપ રીતે ભેંસો હંકારવા બાબતે સમજાવવા જતાં ઉશ્કેરાયેલા શખસે પોલીસ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ PSIએ ખૂટવડા પોલીસ મથકે નોંધાવી હતી.


હોર્ન વગાડવા છતાં તેણે સાઈડ આપી ન હતી

આ બનાવ અંગે ખુંટવડા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ​મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રાજેશ જગરામભાઈ યાદવ અને GRD જવાન નાગજી ગીલાતર ભાવનગર ખાતે આઈ.જી.પી.ની ઇન્સ્પેક્શન પરેડ પતાવી સરકારી વાહનમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે 21 જાન્યુઆરીએ સાંજના પોણા છ વાગ્યાની આસપાસ રોજકી ડેમ પાસેના નાળા નજીક એક ઇસમ ભેંસોનું ટોળું લઈને રસ્તાની વચ્ચે જઈ રહ્યો હતો, વારંવાર હોર્ન વગાડવા છતાં તેણે સાઈડ આપી ન હતી.


PSIના માથા પર અને જમણા ખભા પર પણ લાકડીના ઘા માર્યા 

​જ્યારે PSI યાદવે નીચે ઊતરીને માલઢોરને રસ્તાની એક બાજુ લેવા અને જાહેર જનતાને પડતી અડચણ બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે શખસ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. PSI પોલીસ યુનિફોર્મમાં હોવા છતાં તેમની સાથે જીભાજોડી કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો. ​વચ્ચે પડેલા GRD જવાન નાગજીભાઈ પર આ શખસે અચાનક લાકડીનો ઘા કરી માથામાં ઈજા પહોંચાડી હતી, આ દરમિયાન PSI યાદવ તેને રોકવા અને સ્વબચાવ કરવા વચ્ચે પડતાં હુમલાખોરે PSIના માથા પર અને જમણા ખભા પર પણ લાકડીના ઘા માર્યા હતા.


હુમલા બાદ ઈજાગ્રસ્ત PSI અને GRD જવાનને તાત્કાલિક મોટા ખુંટવડા CHC ખાતે ખસેડાયા હતા અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે મહુવાની એસ.ઓ.એસ (SOS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી ફરજમાં રુકાવટ અને પોલીસ અધિકારી પર હુમલો કરવા બદલ વિરુદ્ધ PSI રાજેશ યાદવે, ભાવેશ સોસલા સામે બી.એન.એસ.ની કલમ 121(2), 221, 352, 285, જી.પી.એક્ટ 135 કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application