રાજકોટમાં શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બનવા પામી છે. ગણિતના શિક્ષકે ધો.૮ ની વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી તેનું કારમાં અપહરણ કર્યું હતું. બાદમાં તેને ફલેટ પર લઇ જઇ બદકામ કર્યું હતું. બનાવ અંગે દીકરીએ વાલી સમક્ષ આપવીતી વર્ણવતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં વિકૃત શિક્ષક સામે તાલુકા પોલીસે અપહરણ, દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
પીડિત વિદ્યાર્થિનીની માતાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સીતાજી ટાઉનશિપ પાછળ આવેલ મધર ટેરેસા સરકારી સ્કૂલ નં.૮૮ ના શિક્ષક મોહિત ટાંકનું નામ આપ્યું છે. ફરિયાદીને ટાંકી પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ફરિયાદીની પુત્રી ૨૦૨૩ થી લઈ ૨૦૨૬ સુધી એમ ત્રણ વર્ષ ધો. ૬થી ૮માં સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી. હાલ બીજી શાળામાં અભ્યાસ કરે છે. ગઈ તા. ૨૩ ના રોજ તે ઘરે હતી ત્યારે પુત્રીને ગુમસુમ જોઈ ચિંતા થઈ હતી. હિંમત આપી પૂછતા કહ્યું કે મમ્મી, હું ગત જાન્યુઆરી માસમાં જ્યારે ધો. ૮માં અભ્યાસ કરતી હતી ત્યારે મેથ્સનો પિરિયડ લેવા આવતા મોહિત ટાંક સરે મેથ્સમાં સારા માર્ક્સ આપી પાસ કરાવી દઈશ, તું મને બહુ ગમે છે તેમ કહેતા હતા.
ત્યારબાદ ક્લાસમાં કોઈ ન હોય ત્યારે તે હગ અને કિસ કરતા હતા. વિરોધ કરૂ તો મેથ્સમાં ફેઈલ કરવાની ધમકી આપતા હતા, જેને કારણે કોઈને કાંઈ કહી શકતી ન હતી. ગત જાન્યુઆરી માસમાં સવારે સ્કૂલે પહોંચી ત્યારે ઓફિસમાં બેઠેલા મોહિત સરે બોલાવી કહ્યું કે આપણે ઘરે જવું છે, જેનો ઈન્કાર કરતા તે પાછળ આવી બેગ ખેંચવા લાગ્યા હતા અને કહ્યું કે તને કોઈ પૂછે તો કહેજે બૂક ઘરે ભૂલી ગઈ છું, એટલે સર મને ઘરે મુકવા આવે છે, જો તું તેમ નહીં કરે તો તને મેથ્સમાં ફેઈલ કરી દઈશ અને ભણતરમાં આગળ નહીં વધવા દઉં.
આ ધમકીને કારણે ડરી જતાં સાથે જવા સિડીથી ઉતરતી હતી ત્યારે અન્ય છાત્રાઓ અને તેના વાલીઓ તેને જોઈ ગયા હતા. પૂછયું ક્યાં જાય છે તો કહ્યું કે બૂક ઘરે ભૂલી ગઈ છું એટલે મોહિત સર મને ઘરે મુકવા આવે છે તેવું બહાનું બતાવ્યું હતું. આ પછી મોહિત સર પોતાની કારમાં મવડી રોડ પરના સ્વામિનારાયણ ચોકની આજુબાજુ આવેલા ફ્લેટે લઈ ગયા હતા. બાદમાં બેડરૂમમાં લઈ હગ અને કિસ કરી હતી. મેં પુછ્યું સર આ શું કરો છો તો કહ્યું કે મેથ્સમાં પાસ થવું છે ને, આગળ વધવું છે ને તો કોઈને આ વાત કહીશ તો મેથ્સમાં ફેઈલ કરી દઈશ. આ પછી દુષ્કર્મ આચર્યું હતું.
ત્યાર બાદ પોતાની કારમાં બેસાડી સ્કૂલે ઉતારી દીધી હતી. આ ઘટનાક્રમ પણ તેને ખાલી ક્લાસમાં બોલાવી પછી અવારનવાર હગ અને કિસ કરતા હતા. તેમ પણ કહેતા કે જો હું કહું તેમ નહીં કરવા દે તો તને મેથ્સમાં ફેઈલ કરી દઈશ, હું મારી જાતે હાથમાં છરકા મારી દઈશ. પુત્રીની આપવીતી જાણ્યા બાદ માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. બાદમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે પોકસો એકટનો ગુનો નોંધ્યો હતો. પીઆઈ એસ.આર. મેઘાણીની રાહબરીમાં સ્ટાફે શિક્ષક મોહિતની અટકાયત કરી આકરી પૂછપરછ શરૂ કરી છે.