અમદાવાદ શહેરની નજીક આવેલા શેલા અને વૈષ્ણોદેવી વિસ્તાર બાદ હવે સાણંદ પંથકમાં દીપડો દેખાયો હોવાની ચર્ચાથી ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. અગાઉ પણ આસપાસના વિસ્તારોમાં વન્યજીવની હિલચાલની આશંકા સેવાઈ રહી હતી, ત્યારે તાજેતરમાં સાણંદ તાલુકાના મોટી દેવતી ગામ તરફ જતા રસ્તા પર દીપડાના પગલાં જોવા મળ્યા છે. દીપડાએ એક શ્વાનનો શિકાર કર્યાનો પણ ગ્રામજનોએ દાવો કર્યો છે. આ બનાવની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો હતો, જેથી દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોટી દેવતી ગામની સીમમાં આવેલી જંગલ જેવી ઝાડીઓ અને એક ઈંટના ભઠ્ઠાની આજુબાજુ દીપડાના પંજાના સ્પષ્ટ નિશાન મળી આવ્યા છે. આ જ વિસ્તારમાં એક શ્વાનનો શિકાર થયો હોવાના ચિહ્નો પણ જોવા મળ્યા છે, જેના કારણે દીપડો આસપાસના જ વિસ્તારમાં છુપાયેલો હોવાની પ્રબળ શંકા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને દીપડાને કેદ કરવા માટે યોગ્ય સ્થળે પાંજરા ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર મા અંગે આરએફઓ હરેશભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, મોટી દેવડી ખાતે દીપડો હોવાની વાત સાચી છે, પરંતુ દીપડો હજુ ચોક્કસ જગ્યાએ લોકેટ થયો નથી. ગ્રામજનો દ્વારા કૂતરા ઓછા થવાની ચર્ચાઓ થઈ રહી છે પરંતુ તે અંગે કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી અને શ્વાનના શિકારના ફોટા પણ એક-બે દિવસ જૂના છે. વન વિભાગ દ્વારા દીપડાનો ચોક્કસ રૂટ ફાઇનલ કરીને નવું પાંજરું મૂકવામાં આવ્યું છે અને અગાઉના જૂના પાંજરા પણ યથાવત રાખવામાં આવ્યા છે જેથી વન્યજીવ સહેલાઈથી પકડાઈ શકે.
આ અર્બન વિસ્તાર હોવાને કારણે તંત્રને દીપડાને પકડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં સતત ટ્રાફિક અને મોટા પાયે કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોવાથી દીપડાની જગ્યા ફિક્સ રહેતી નથી અને તે સતત મુવમેન્ટ કરતો રહે છે. જંગલ વિસ્તારની જેમ અહીં તેનો રૂટ નિશ્ચિત હોતો નથી. આ દીપડો ખોરાક અને પાણીની શોધમાં એક દિવસમાં સરેરાશ ૪૦ થી ૫૦ કે ૬૦ કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપી શકે છે.
દીપડાની આ સતત હિલચાલને પગલે વન વિભાગ દ્વારા ગંભીરતા દાખવીને અગાઉ ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને હાલમાં ફરીથી રી-સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો તેના પગના નવા માર્ક્સ કે અન્ય ચિહ્નો મળી આવે તો તેની ટેરેટરી એટલે કે વિસ્તાર ચોક્કસ નક્કી કરી શકાય. હાલમાં ગ્રામજનોને સાવચેત રહેવા અને રાત્રીના સમયે બહાર નીકળતી વખતે કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે.