BREAKING NEWS

નવા વર્ષે મીઠું-કંકુ અને મગ ખરીદવાની પ્રથા, ભગવાન કૃષ્ણ-રૂક્ષ્મણીજી સાથે જોડાયેલી છે આ પૌરાણિક કથા

  • November 10, 2026 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિક્રમ સંવતના નૂતન વર્ષની વહેલી સવારે સનાતન ધર્મમાં સબરસ અર્થાત શકન ખરીદીને નવા વર્ષને આવકારવાની એક અનોખી અને પવિત્ર પરંપરા આદિ અનાદિકાળથી ચાલી આવે છે. દિવાળીની રાતથી લઈને નવા વર્ષની વહેલી સવાર સુધી મહિલાઓ વર્ષની સર્વપ્રથમ શુકનવંતી ખરીદીના ભાગરૂપે શકન ખરીદતી હોય છે. સૌરાષ્ટ્ર પંથકમાં જેને 'શકન' તરીકે ઓળખવામાં આવે છે, તેને રાજ્યના અન્ય પ્રાંતોમાં 'સબરસ' તરીકે ઓળખાય છે. ધાર્મિક દૃષ્ટિએ નવા વર્ષની શરૂઆતમાં સબરસ ખરીદવું અત્યંત મંગલકારી અને શુભ માનવામાં આવે છે.


દિવાળી અને નવા વર્ષના પાવન પર્વ પર સબરસનું ધાર્મિક મહત્વ અપરંપાર છે. આ વિશેષ શકનમાં મુખ્યત્વે અખંડ મીઠું (નમક), કંકુ અને મગનો સમાવેશ કરવામાં આવે છે. માન્યતા અનુસાર, નૂતન વર્ષના પ્રથમ દિવસે શકનની ખરીદી કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી. તેની સાથે જ પરિવારમાં વર્ષભર સુખ, શાંતિ, સમૃદ્ધિ જળવાઈ રહે છે અને તમામ માંગલિક તથા શુભ કાર્યો નિર્વિધ્ને સંપન્ન થાય છે. આ જ હેતુથી ગૃહિણીઓ શ્રદ્ધાપૂર્વક શકનની ખરીદી કરીને પોતાના ઘરના નવા વર્ષના કાર્યશુભારંભ કરે છે.

સબરસ સાથે જોડાયેલી ધાર્મિક પરંપરાનો સંબંધ દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજી સાથે પણ જોડાયેલો છે. પૌરાણિક કથા અનુસાર, એકવાર રૂક્ષ્મણીજીએ ભગવાન શ્રીકૃષ્ણને સહજ સવાલ કર્યો કે, "તમે મને કેટલો પ્રેમ કરો છો?" તેના જવાબમાં શ્રીકૃષ્ણજીએ હસીને કહ્યું કે, "તમે મને મીઠા (નમક) જેટલાં વ્હાલાં લાગો છો." આ સાંભળીને રૂક્ષ્મણીજીને લાગ્યું કે પ્રભુ તેમની કિંમત સાધારણ મીઠા જેટલી જ ગણે છે, જેથી તેઓ રિસાઈ ગયા.


રૂક્ષ્મણીજીની નારાજગી જોઈને ભગવાન શ્રીકૃષ્ણએ એક લીલા કરી અને રસોઈયાઓને મીઠા વગરની વાનગીઓ તથા છપ્પન ભોગ બનાવવાનો આદેશ આપ્યો. ભોજનના સમયે મીઠા વગરનું અન્ન ચાખ્યા બાદ રૂક્ષ્મણીજીને સમજાયું કે સ્વાદિષ્ટ ભોજન પણ મીઠા વિના નકામું છે. ત્યારે શ્રીકૃષ્ણએ સમજાવ્યું કે જેમ મીઠા વગર ભોજન અપૂર્ણ છે, તેમ જ જીવનમાં પણ તેનો રસ અને મહત્ત્વ સૌથી વધુ છે. પોતાની ભૂલ સમજાતાં રૂક્ષ્મણીજી પ્રસન્ન થયા અને ભગવાને વરદાન આપ્યું કે કાળક્રમે મીઠું 'સબરસ' (સૌ રસમાં શ્રેષ્ઠ) તરીકે ઓળખાશે અને નવા વર્ષના દિવસે તેની ખરીદી શુકનવંતી ગણાશે. ત્યારથી જ નૂતન વર્ષે સબરસ ખરીદવાની આ પવિત્ર પ્રથા અવિરતપણે જળવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application