રાજકોટમાં રોડ અકસ્માતથી માનવ મૃત્યુનો સિલસિલો જાણે શરૂ થયો છે હોય તેમ છેલ્લા બે મહિનામાં શહેરની ભાગોળ અને સીટી વિસ્તારમાં દોઢ મહિનામાં 10 જેટલા વાહન અકસ્માતમાં તરુણથી લઈ વૃધ્ધવય સુધીના 10 વ્યક્તિના કરુણ નિપજ્યા છે. આમ છતાં પોલીસ અને આરટીઓ તંત્ર રોડ અકસ્માતના સિલસિલા ઉપર બ્રેક લગાવવાને બદલે આમ જનતા પાસેથી નિયમભંગના નામે લાખો કરોડો રૂપિયાનો દંડ ઉઘરાવી માત્રને માત્ર માર્ગ સલામતીની વાતો કરી રહ્યા છે.
યુવાન 50 ફૂટ જેટલો દૂર ફંગોળાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું
શહેરની ભાગોળે રોડ અકસ્માતની વધતી ઘટનાઓ બાદ હવે શહેરમાં પણ મોતની રફતાર વધી છે. ગત રાત્રીના ક્રિસ્ટલ મોલ પાસે બાપ કમાઈ બાબુડિયાએ ઓવર સ્પીડમાં બીએમડબ્લ્યુ કાર હંકારી ઍક્સેસને ઉલાળતા યુવાન 50 ફૂટ જેટલો દૂર ફંગોળાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા પસાર થતા વાહન ચાલકો દોડી ગયા હતા માણસો ભેગા થઇ જતા બીએમડબ્લ્યુનો ચાલક કાર મૂકી નાસી છૂટ્યો હતો.
ભયાનક અકસ્માતમાં ઍક્સેસનો કુડચો બોલી ગયો
ભયાનક અકસ્માતમાં ઍક્સેસનો કુડચો બોલી ગયો હતો. બનાવના પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા આત્મન પટેલની આજે સવારે ધરપકડ કરી છે.
અકસ્માતની ઘટના નજરે જોનાર સેકંડો માટે સ્તબ્ધ બની ગયા
પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર નંદાહોલ પાસે અર્જુનપાર્ક સોસાયટીમાં રહેતો અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો અભિષેક દેવેન્દ્રભાઈ નાથાણી (ઉ.વ.20) ગઈકાલે ઍક્સેસ સ્કૂટર લઈ જતો હતો ત્યારે ક્રિસ્ટલ મોલ પાસે સામેથી પુરપાટ ઝડપે આવતી જીજે-03-એનબી-7301 નંબરની બીએમડબ્લ્યુ કારના ચાલકે ઍક્સેસને ઉલાળતા સ્કૂટર ચાલક 50 ફૂટ દૂર ફંગોળાયો હતો. અકસ્માતની ઘટના નજરે જોનાર સેકંડો માટે સ્તબ્ધ બની ગયા હતા. બનાવના પગલે આસપાસના લોકો દોડી જઈ 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી પંચરોજ કામ કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
મૃતક યુવાન બે ભાઇમાં નાનો હતો
મૃતક યુવાન બે ભાઇમાં નાનો હતો. પિતા દેવેન્દ્રભાઈ સ્ટીલ ફર્નીચરનું કારખાનું ધરાવે છે. પુત્રના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. મૃતકના મોટાભાઈ કેવલ નાથાણીની ફરિયાદના આધારે તાલુકા પોલીસે બીએમડબ્લ્યુ કાર મૂકી નાશી જનાર નાના મવા રોડ પર સિલ્વર હાઈટ્સની સામે આવેલા કિંગ સ્ટોન એપાર્ટમેન્ટમાં રહેતા આત્મન અક્ષયભાઈ પટેલ સામે ગુનો નોંધી તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ.હરીપરાના માર્ગદર્શન હેઠળ આજે સવારે કાયદેસરની ધરપકડ કરી છે. આત્મન પટેલના પિતા શાપરમાં સિમેન્ટ કોક્રીંટનું કારખાનું ધરાવે છે અને પોતે પણ પિતા સાથે કારખાનામાં બેસે છે. રાત્રીના કેફેથી ઘરે જતો હતો ત્યારે બનાવ બન્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હોન્ડાસિટીએ 15 વર્ષની તરૂણીને કચડી
હિટ એન્ડ રનનો બીજો બનાવ યુનિવર્સીટી રોડ પર એસ.એન.કે. સ્કૂલ પાસે બન્યો છે. શહેરના પ્રહલાદ પ્લોટમાં રહેતા દર્શનાબેન દેવાંગભાઈ કોટેચા (ઉ.વ.45)ના શુક્રવારના ઘરેથી સ્કૂટર લઈને એસએનકે સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરતી પુત્રી ધ્રુવી (ઉ.વ.14)ને તેડવા માટે ગયા હતા. પુત્રીને સ્કૂલેથી લઈ ઘરે જવા નીકળતા સ્કૂલથી થોડે આગળ જ સ્પીડમાં આવેલી હોન્ડા સીટી કારએ એક્ટીવાને પાછળથી ઠોકરે લેતા માતા પુત્રી દૂર સુધી ફંગોળાયા હતા. અકસ્માત સર્જાતા કાર હંકારતી મહિલા અને તેના પતિ નીચે ઉતરી દોડી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા માતા-પુત્રીને કારમાં જ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન 14 વર્ષીય ધ્રુવીનું મોત નીપજ્યું હતું. જયારે તેના માતા દર્શનાબેનને નવ જેટલા ફેક્ચર આવ્યા હતા. બનાવના પગલે યુનિવર્સીટી પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી કાર કબ્જે લઇ ચાલક કૃતિકા શેઠ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પુત્રીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.