અમદાવાદમાં આવેલી ગુજરાત કોલેજ કેમ્પસમાં જૂની અદાવતનો ખાર રાખીને વિદ્યાર્થી સંગઠન એબીવીપીના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં પાંચથી સાત શખ્સોના ટોળાએ વિદ્યાર્થીને બેરહમીથી ઢોર માર માર્યો હતો. હુમલા દરમિયાન વિદ્યાર્થીનું માથું જોરથી દીવાલ સાથે ભટકાતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું. કેમ્પસમાં ધોળે દહાડે બનેલી આ મારામારી અને ગુંડાગીરીના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ગોધરાનો વતની અને હાલ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતો ધ્રુવરાજસિંહ સોલંકી ગુજરાત કોલેજમાં બી.એસસી. સેમેસ્ટર પાંચમાં અભ્યાસ કરે છે. ઘટનાના દિવસે ધ્રુવરાજસિંહ કોલેજ પરિસરમાં આવેલા નેહરુ હોલ સામે પોતાના મિત્રો સાથે બેઠો હતો. તે સમયે એબીવીપીનો કાર્યકર પ્રિન્સ દેસાઈ, આર.બી. મુધવા, રામ અને તેમની સાથે આવેલા અન્ય અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. તેમણે કોઈ પણ પ્રકારની વાતચીત કે બોલાચાલી કર્યા વિના જ અચાનક ધ્રુવરાજસિંહ પર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલામાં યુવક નીચે પડી ગયો હતો અને દીવાલ સાથે માથું અથડાતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ધ્રુવરાજસિંહને લોહીલુહાણ હાલતમાં જોઈને કેમ્પસમાં આસપાસના વિદ્યાર્થીઓ અને લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. ઘટના અંગે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતાં એલિસબ્રિજ પોલીસનો કાફલો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં માથાના ભાગે ઊંડો ઘા હોવાના કારણે તેને ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. સારવાર બાદ ભોગ બનનાર ધ્રુવરાજસિંહની ફરિયાદના આધારે એલિસબ્રિજ પોલીસે પ્રિન્સ દેસાઈ સહિતના હુમલાખોરો સામે રાયોટિંગ અને હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શિક્ષણના પવિત્ર ધામ ગણાતી ગુજરાત કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થી પર થયેલો આ હિંસક હુમલો અત્યંત ચિંતાજનક બાબત છે. વિદ્યાર્થી સંગઠનના નામે વિદ્યાધામોમાં વધી રહેલી આવી અસામાજિક અને ગુંડાકીય પ્રવૃત્તિઓ સામે હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. જે વિદ્યાર્થી સંગઠનોનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓના હિત, શિસ્ત અને અધિકારોનું રક્ષણ કરવાનું હોય છે, તેના જ કાર્યકરો જો જૂની અદાવતમાં આવી હિંસક ગુંડાગીરી પર ઊતરી આવે તો સામાન્ય વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થાય છે.
ધોળે દહાડે કોલેજ કેમ્પસની અંદર બનેલી આ ઘટનાએ કોલેજ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થાની પોલ પણ ખોલી નાખી છે. વિદ્યાધામોમાં નિર્ભય વાતાવરણ જળવાઈ રહે તે માટે માત્ર પોલીસ કેસ નોંધવા પૂરતી કાર્યવાહી કરવાને બદલે આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં ભરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓ તરફથી ઉગ્ર માંગણી ઉઠી રહી છે.