BREAKING NEWS

ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખના પુત્રને ATSએ નકલી પાસપોર્ટ સાથે ઝડપ્યો, ઇડીના મની લોન્ડ્રિંગ કેસમાં સંડોવાયેલો હતો

  • September 16, 2026 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર હરિકેશ પટેલ નકલી પાસપોર્ટના ગંભીર કેસમાં ઝડપાયો છે. આરોપીનો અસલી પાસપોર્ટ અગાઉથી જ ઇડીના કેસમાં જમા હતો, તેમ છતાં તેણે અન્ય રાજ્યમાંથી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો અને આ નકલી પાસપોર્ટના આધારે તે દેશ-વિદેશમાં મુસાફરી પણ કરતો હતો. ગુજરાત એટીએસએ બાતમીના આધારે સાયન્સ સિટી પાસેથી હરિકેશ પ્રણવ પટેલ (રહે. ઊર્મિ બંગલો, મીરાપાર્ક સોસાયટી શાહીબાગ, અમદાવાદ)ની ધરપકડ કરી છે.

પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી વર્ષ 2023ના ઇડીના મની લોન્ડ્રિંગ કેસમાં સંડોવાયેલો હતો, જેના કારણે તેનો પાસપોર્ટ અગાઉ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ આગોતરા જામીન મેળવ્યા હતા, પરંતુ બાદમાં ઇડી દ્વારા તેના જામીન રદ કરાવવામાં આવ્યા હતા. કાયદાકીય ગૂંચવણમાંથી બચવા અને વિદેશ જવા માટે તેણે ગુજરાતનો પાસપોર્ટ હોવા છતાં ગેરકાયદેસર રીતે નકલી પાસપોર્ટ બનાવવાનો પ્લાન બનાવ્યો હતો.

આરોપીએ દુબઈના એક મિત્ર મારફતે દિલ્હીના એજન્ટનો સંપર્ક સાધ્યો હતો. તેણે એજન્ટને 25 લાખ રૂપિયા આપીને ઉત્તર પ્રદેશના આગ્રામાં ભાડે રહેતો હોવાનો ખોટો રેન્ટ એગ્રીમેન્ટ તૈયાર કરાવ્યો હતો. તે પછી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની બનાવટી ફરિયાદ નોંધાવી હતી. આ ખોટી ફરિયાદ અને રેન્ટ એગ્રીમેન્ટના આધારે ગાઝિયાબાદ પાસપોર્ટ કચેરીમાં અરજી કરીને વર્ષ 2024માં તેણે બીજો નકલી પાસપોર્ટ મેળવી લીધો હતો

આ નકલી પાસપોર્ટના સહારે આરોપી ભૂતાન અને નેપાળ થઈને બેંગકોક, દુબઈ અને સિંગાપોર જેવા દેશોમાં ફરવા જતો હતો અને લાંબો સમય દુબઈમાં રોકાયો હતો. તે ફરીથી કોઈ મોટું નાણાકીય ફ્રોડ કરવાની ફિરાકમાં હતો તે પહેલા જ ગુજરાત એટીએસએ તેને દબોચી લીધો છે. એટીએસ દ્વારા આ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને પણ સત્તાવાર જાણ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હરિકેશ પટેલ વિરુદ્ધ અગાઉ નારણપુરા અને ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને અગાઉ તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. શાહીબાગ અને સાયન્સ સિટીમાં મકાનો ધરાવતા આરોપીના નામે ઘણી કંપનીઓ રજીસ્ટર્ડ છે, જેમાંથી કેટલીક શેલ (ખોટી) કંપનીઓ પણ સામેલ છે જેના માધ્યમથી ફ્રોડ આચરવામાં આવતું હતું. આ ઉપરાંત, તપાસ એજન્સીઓ તેના મ્યુલ એકાઉન્ટ્સની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application