સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત પી.પી. સવાણી સ્કૂલના કેમ્પસમાં ચાલતી હોસ્ટેલમાં ગંભીર પ્રકારની ઘટના સામે આવી છે. અહીં રહેતા ૨૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ પૈકી શનિવારે રાત્રે ફૂડ પોઈઝનિંગથી અચાનક ૮૮ વિદ્યાર્થીઓની તબિયત લથડતા ભારે દોડધામ મચી ગઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો અને ઊલટીની ફરિયાદો શરૂ થતાં ૧૨ જેટલા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આટલી મોટી ઘટના બનવા છતાં શાળા સંચાલકો દ્વારા સુરત મનપાના આરોગ્ય વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી ન હતી. આથી સુરત મનપાએ લાલ આંખ કરી હવે પી.પી. સવાણી હોસ્ટેલને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ઘટનાની ગંભીરતા જોતાં વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડાયા બાદ તાત્કાલિક તંત્રને વાકેફ કરવા જરૂરી હતા, પરંતુ પાલિકા સુધી માહિતી પહોંચતા રવિવાર થઈ ગયો હતો. સમયસર જાણ ન થવાને કારણે પાલિકાના આરોગ્ય વિભાગની તપાસ અને દેખરેખની કામગીરી ઘટનાના બીજા દિવસે શરૂ થઈ શકી હતી. પાલિકાની મોબાઈલ ટીમે તાત્કાલિક હોસ્પિટલ સાથે સંકલન સાધી સારવાર હેઠળ રહેલા વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સ્થિતિ વિશે વિગતો મેળવી હતી તેમજ અન્ય વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્ટેલ પરિસરમાં જ ખાસ ઓ.પી.ડી. સેવા શરૂ કરવામાં આવી હતી.
આ મામલાની ગંભીર નોંધ લેતા ગત ૧૩ સપ્ટેમ્બરે સુરત મહાનગરપાલિકાના ઝોન અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમ તાત્કાલિક હોસ્ટેલની કેન્ટીનમાં તપાસાર્થે પહોંચી હતી. ટીમે કેન્ટીનમાં બનતા અને રખાતા ખોરાકની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા તેમજ હાઇજિનના ધોરણોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફૂડ સેફટીના ભાગરૂપે ખાદ્યસામગ્રીના કુલ ૧૦ જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ જ ફૂડ પોઈઝનિંગ કે અન્ય કોઈ ચોક્કસ કારણ સામે આવશે.
સૌથી મોટો સવાલ સંસ્થાની બેદરકારી પર ઉઠ્યો છે કે ૨૨૦૦ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આટલી મોટી ઘટના છુપાવવા કે મોડી જાણ કરવાનો પ્રયાસ કેમ થયો? પાલિકાના આરોગ્ય વિભાગને સમયસર જાણ ન કરવા બદલ તંત્રએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. પાલિકા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને સંબંધિત સંસ્થાને સખત શબ્દોમાં નોટિસ ફટકારી છે અને મોડી જાણ કરવા બદલ એક લાખ રૂપિયાનો વહીવટી ખર્ચ દંડ વસૂલ્યો છે.
હાલમાં સમગ્ર તંત્રની નજર કેન્ટીનમાંથી લેવાયેલા દસ નમૂનાઓના લેબ રિપોર્ટ પર ટકેલી છે. જો રિપોર્ટમાં ખાદ્યસામગ્રી દોષિત કે બગડેલી સાબિત થશે તો સંસ્થા સામે વધુ કડક કાનૂની પગલાં લેવામાં આવશે. આ ઘટનાએ હોસ્ટેલ સંચાલકો અને શૈક્ષણિક સંસ્થાઓની ફૂડ સેફટી અને વિદ્યાર્થીઓની આરોગ્ય સંભાળ પ્રત્યેની જવાબદારી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.