રાજકોટશહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં અને ગુનેગારો પર અંકુશ લગાવવામાં પોલીસ વામણી પુરવાર થઈ રહી હોય તેવું તાજેતરની ઘટનાઓ પરથી શહેરીજનો અનુભવી રહ્યા છે. રૈયા રોડ પર હનુમાન મઢી ચોકમાં આવેલા દેવ પુષ્પ મેડિકલ સ્ટોરમાં રવિવારે રાત્રીના નજીવી બાબતે કુખ્યાત સાજીદ કચરા અને તેના પાંચ મળતીયાઓએ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. ઘટનાને આજે ત્રીજો દિવસ થવા છતાં હજુ સુધી પોલીસ આરોપીને પકડી શકી નથી. જેને લઇ વેપારીઓમાં ડરની સાથે ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે આજરોજ કેમિસ્ટ એસોસિએશન રાજકોટ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી મેડિકલ સ્ટોર પર થયેલા હુમલા પ્રકરણમાં તાત્કાલિક આરોપીઓને પકડી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.કેમિસ્ટ એસોસિએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને માનદ મંત્રી અનિમેષભાઈ દેસાઈની આગેવાનીમાં પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, દેવ પુષ્પ મેડિકલ સ્ટોરમાં રવિવારે રાત્રીના છ શખસો દ્વારા હુમલો કરી ભારે તોડફોડ કરવામાં આવી હતી અને મેડિકલ સ્ટોરની મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું હતું.આ ગંભીર બનાવવાને 60 કલાક કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હુમલાખોરો હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી. જે અત્યંત ચિંતાજનક બાબત છે. મેડિકલ સ્ટોર જેવી આવશ્યક સેવા સાથે સંકળાયેલી સંસ્થામાં આ પ્રકારનો હુમલો અને ખુલ્લેઆમ કરવામાં આવેલી તોડફોડથી વેપારીઓ તેમજ કર્મચારીઓમાં ભય અને અસુરક્ષાની લાગણી ઉભી થઈ છે.વેપારીઓ દ્વારા આપવામાં આવેલા આવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, તમામ આરોપીઓની ઓળખ કરી તાકીદે ધરપકડ કરવામાં આવે, બનાવ પાછળનું કારણ અને આરોપીઓનો હેતુ શોધી કાઢવામાં આવે, મેડિકલ સ્ટોરને થયેલા નુકસાન અંગે કાયદેસરની કાર્યવાહી કરાઇ, ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે મેડિકલ સ્ટોર તથા વેપારીઓની સુરક્ષા અંગે જરૂરી પગલાં લેવામાં આવે આ બનાવને ગંભીરતાથી લઈ તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તથા થયેલી તપાસ અને કાર્યવાહી અંગે વેપારીઓને જાણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.