સુરત શહેરના જાણીતા અને દેશભરમાં ટેક્સટાઇલ હબ તરીકે પ્રખ્યાત બનેલા સારોલી વિસ્તારમાં સાલાસર માર્કેટના પાંચમા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સવારે અંદાજે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને પગલે માર્કેટમાં હાજર વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે નાસભાગ તેમજ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી વિગતો મુજબ, સાલાસર માર્કેટના પાંચમા માળે આવેલી અંદાજે ચાર જેટલી કાપડની દુકાનોમાં આગ અચાનક ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં તે આસપાસની દુકાનોમાં પણ પ્રસરી ગઈ હતી. આ દુકાનોમાં રેડીમેડ ગારમેન્ટ, ફેબ્રિકેટ કાપડ તેમજ અત્યંત જ્વલનશીલ ગણાતા પોલિએસ્ટર સહિતના કાપડનો વિશાળ જથ્થો મોટા પ્રમાણમાં સંગ્રહાયેલો હતો. જેના લીધે આગે ક્ષણભરમાં જ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને માર્કેટમાંથી દૂર-દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડતા નજરે પડ્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતાં જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાબડતોબ એક્શન મોડમાં આવી ગયો હતો. સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા અંદાજે ૧૫ જેટલા ફાયર સ્ટેશનો પરથી ૧૫થી વધુ ફાયર ફાઈટરો, વોટર ટેન્કર્સ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર જવાનોએ તાત્કાલિક સ્થિતિ સંભાળીને બિલ્ડિંગની અંદર હોઝ પાઈપો પાથરી દીધા હતા અને ચારેય બાજુથી પાણીનો ભારે મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની સઘન કામગીરી શરૂ કરી દીધી હતી.
વિશાળ પ્રમાણમાં કાપડનો જથ્થો ભરેલો હોવાથી આગ વારંવાર ભડકી રહી છે, જેને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે ફાયર ટીમના જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સદનસીબે આ ભીષણ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થયાના સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા નથી, જે રાહતની વાત છે. પરંતુ આગની આ લપેટમાં આવી જવાથી વેપારીઓનું લાખો રૂપિયાનું કાપડ અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે, જેના કારણે વેપારીઓને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ દુકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ ભીષણ આગ લાગી હોઈ શકે છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગ ઓપરેશન અને આગને સંપૂર્ણ ઠારવાની પ્રક્રિયા ચાલુ છે, ત્યારબાદ જ આગના અસલી કારણોનો ખુલાસો થઈ શકશે.