BREAKING NEWS

અભિજીત દીપકેને ફરી એનડીએમાં જોડાઈ જવાની લાલચ અપાઈ: મંત્રીએ આમંત્રણ આપ્યું

  • October 28, 2026 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેને કેન્દ્રની એનડીએ સરકારમાં સામેલ થવા માટે ફરી આમંત્રણ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી તથા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ રામદાસ આઠવલેએ દીપકેને પોતાની પાર્ટીમાં જોડાવા જાહેર આમંત્રણ આપ્યું છે. આઠવલેએ જણાવ્યું છે કે આંબેડકરવાદી રાજકારણને મજબૂત બનાવવા યુવાનોની જરૂર છે અને દીપકે તેમની પાર્ટીમાં આવે તો તેમનું સ્વાગત કરવામાં આવશે.



મંગળવારે નાગપુરમાં પત્રકાર પરિષદ દરમિયાન આઠવલેએ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અભિજિત દીપકે પણ આંબેડકરવાદી વિચારધારા ધરાવે છે. બાબાસાહેબ આંબેડકરના રાજકીય વિચારોને આગળ વધારવા માટે યુવાન નેતાઓની જરૂર હોવાથી તેમને અગાઉથી જ રિપબ્લિકન પાર્ટીમાં જોડાવા જણાવવામાં આવ્યું છે.



આઠવલેએ સ્પષ્ટતા કરી હતી કે દીપકેએ હજી સુધી તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નથી. જોકે તેઓ જોડાવાનો નિર્ણય કરશે તો તેમનું સ્વાગત કરવામાં આવશે.



આ પ્રથમ વખત નથી કે આઠવલેએ દીપકેને પોતાની પાર્ટીમાં આવવા આમંત્રણ આપ્યું હોય. અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ તેમણે આવો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ વિવિધ પ્રસંગોએ દીપકે અંગે નિવેદનો આપીને તેમણે આ આમંત્રણ દોહરાવ્યું હતું.



દીપકે પોતાની કોકરોચ જનતા પાર્ટીના નામ અને રાજકીય પ્રવૃત્તિઓને કારણે ચર્ચામાં રહ્યા છે. તેમની પાર્ટી હાલમાં સીધી ચૂંટણી લડવાને બદલે રાજકીય અને સામાજિક મુદ્દાઓ ઉપર દબાણજૂથ તરીકે કામ કરવા માગે છે.

આઠવલેના અગાઉના આમંત્રણ અંગે દીપકેએ કેન્દ્ર સરકાર ઉપર કટાક્ષ કર્યો હતો. તેમણે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ભાજપના કેટલાક નેતાઓ અગાઉ તેમને રાષ્ટ્રવિરોધી ગણાવતા હતા, જ્યારે હવે સરકારમાં સામેલ પક્ષના નેતાઓ પોતાની સાથે જોડાવા આમંત્રણ આપી રહ્યા છે.



આઠવલેએ અગાઉ દીપકેના કેટલાક રાજકીય નિવેદનો અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે અયોગ્ય ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું.

આમંત્રણ પાછળનું એક કારણ રિપબ્લિકન પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ પણ છે. આઠવલે લાંબા સમયથી આંબેડકરવાદી રાજકારણ સાથે જોડાયેલા છે અને તેમની પાર્ટી એનડીએનો ભાગ છે.

અભિજિત દીપકે જેવા યુવાન નેતાઓને જોડવાથી સંગઠનનું વિસ્તરણ થઈ શકે તેવો આઠવલેનો અભિપ્રાય છે. જોકે દીપકે પોતાની સ્વતંત્ર રાજકીય ઓળખ જાળવી રાખશે કે અન્ય પક્ષમાં જોડાશે તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી.


હાલ તેમના તરફથી આઠવલેના તાજેતરના આમંત્રણનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. તેથી આ મુદ્દો અત્યારે રાજકીય પ્રસ્તાવના સ્તરે જ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application