ખંભાળીયા: ઘી ડેમ પાસે જૂના કૂવાઓમાંથી કાંપ કાઢીને પાણી મેળવવા કવાયત
ખંભાળીયા: ઘી ડેમ પાસે જૂના કૂવાઓમાંથી કાંપ કાઢીને પાણી મેળવવા કવાયત
October 28, 2026 01:03 PM
ખંભાળીયા: ઘી ડેમ પાસે જૂના કૂવાઓમાંથી કાંપ કાઢીને પાણી મેળવવા કવાયત
ખંભાળીયા શહેરમાં હાલ પીવાના પાણીની કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. હાલ નગરજનોને દર ચાર દિવસે એક વખત પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં પાણીની સમસ્યા વધુ વિકટ ન બને તે માટે ખંભાળીયા નગરપાલિકા દ્વારા વૈકલ્પિક પાણીના સ્ત્રોતો ઉભા કરવા અને સુધારવા માટે વ્યાપક કવાયત હાથ ધરવામાં આવી છે.
પાલિકા પ્રમુખ વિજય કણઝારીયા અને ચીફ ઓફિસર રાહુલ કરમુરના માર્ગદર્શન હેઠળ વોટર વર્કસ ઈજનેર એન.આર.નંદાણીયા દ્વારા પાણી પુરવઠો સુધારવા ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત રામનાથ સોસાયટી, ફૂલવાડી, વોટર વર્કસ અને બેઠક રોડ સહિતના વિસ્તારોમાં આવેલા પાલિકાના જુના બોર-કુવાઓને ફરી કાર્યાન્વિત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ઘી ડેમ અને વોટર વર્કસ નજીકના જુના કૂવાઓમાંથી ગાળ (કાંપ) કાઢીને તેમાંથી ફરી પાણી મેળવવા સંબંધિત કામગીરી ચાલી રહી છે. શહેરમાં જ્યાં પણ શક્યતા હોય ત્યાં નવા બોર બનાવી પાણીનો જથ્થો વધારવાના પ્રયાસો શરૂ કરાયા છે.
પાલિકાના પ્રયાસોને સફળતા પણ મળી રહી છે અને કેટલાક સ્ત્રોતોમાંથી આવક શરૂ થતાં નગરજનો તેમજ તંત્રને મોટી રાહત મળી છે. ઘી ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવે છે.જેમાં લગભગ ૩૩ કયુસેક પાણી ઠાલવાતા વર્તમાન સ્થિતિએ અંદાઝે દોઢેક માસ ચાલે તેટલો જળસંગ્રહ થયો છે. જે સાથે તંત્ર દ્વારા સ્થાનિક સ્ત્રોતો પુર્વવત કરવા માટે ખાસ કવાયત શરૂ કરાઇ છે.જેમાં નગર પાલિકા હસ્તકના બોર, કૂવા અને નવા બનાવાઈ રહેલા વૈકલ્પિક સ્ત્રોતોમાંથી પાણી માટે કામગીરી શરૂ કરાઇ છે.