સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર જગાવનારા અને રાજકીય-સામાજિક ગરમાવો લાવનારા રાજકોટના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં ગોંડલ પંથકના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ તરફથી બહુ મોટી કાનૂની રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજાને મંજૂર કરવામાં આવેલા જામીનને રદ કરાવવા માટે ફરિયાદ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જોકે, સર્વોચ્ચ અદાલતે બંને પક્ષોની ધારદાર દલીલો અને કાનૂની પાસાંઓ સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટના આદેશને યોગ્ય ઠેરવી માન્ય રાખ્યો છે અને જામીન રદ કરવાની અરજી ફગાવી દીધી છે.
રાજકોટના અમિત ખૂંટ પ્રકરણમાં નામ સામે આવ્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ પોતાના બચાવમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નિયમિત જામીન મેળવવા અરજી કરી હતી. હાઈકોર્ટે કેસની તમામ પરિસ્થિતિઓ ધ્યાને લઈ યોગ્ય શરતોને આધીન તેમની જામીન અરજી મંજૂર કરી હતી. જોકે, હાઈકોર્ટના આ ચુકાદાથી અસંતુષ્ટ થઈને મૂળ ફરિયાદ પક્ષ દ્વારા જામીન રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલોની રજૂઆતો અને હાઈકોર્ટના મૂળ અવલોકનોને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે ફરિયાદ પક્ષની આ અરજીમાં કોઈ પણ પ્રકારની દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
રીબડા જૂથ અને ગોંડલ પંથકના સ્થાનિક રાજકારણ તથા સામાજિક સમીકરણો સાથે જોડાયેલા આ હાઈપ્રોફાઈલ કેસ પર છેલ્લા ઘણા સમયથી સમગ્ર સૌરાષ્ટ્રની નજર ટકેલી હતી. સુપ્રીમ કોર્ટ તરફથી હાઈકોર્ટના જામીન આદેશ પર અંતિમ મહોર મારી દેવાતાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના સમર્થકો તથા રીબડા જૂથમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય બાદ હવે આ પ્રકરણમાં જામીન સંબંધી કાનૂની ગૂંચ ઉકેલાઈ ગઈ છે, જ્યારે બીજી તરફ જામીન રદ કરાવવાની આશા રાખીને બેઠેલા મૂળ ફરિયાદ પક્ષને મોટો કાનૂની ફટકો પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં મે, 2025 દરમિયાન અમિત ખૂંટ નામના યુવકે ઝાડ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના ખિસ્સામાંથી ચાર સુસાઈડ નોટ મળી આવી હતી, જેના આધારે તેમના ભાઈ મનીષ ખૂંટે રાજદિપસિંહ, અનિરુદ્ધસિંહ જાડેજા અને બે વકીલો સહિતના આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, ગામમાં સસ્તા ભાવે જમીન હડપ કરવાના મુદ્દે ગત વિધાનસભા ચૂંટણી વખતે આરોપીઓ અને અમિત ખૂંટ વચ્ચે વિવાદ થયો હતો, જેમાં હુમલો થતાં અમિતે કેસ પણ કર્યો હતો. આ જ અદાવતમાં આરોપીઓએ ષડયંત્ર રચી સગીરા મારફતે અમિત પર દુષ્કર્મનો ખોટો કેસ ઊભો કર્યો હતો. આ માનસિક ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટાળીને અમિત ખૂંટે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ છે, જેની તપાસમાં પોલીસે બંને વકીલો સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.