કેનેડાથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ૨૨ વર્ષીય કમ્પ્યુટર એન્જિનિયર ભીષ્મ રાજ્યગુરુનું કેનેડાના સાસ્કાચેવાન ખાતે સર્જાયેલા એક દર્દનાક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું છે. ૧૮ જુલાઈની રાત્રે બનેલી આ ઘટના બાદ સમગ્ર વિસ્તાર સહિત તેના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ભીષ્મનો પાર્થિવ દેહ આગામી ૨ ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે લાવવામાં આવશે, જ્યાં પરિવારજનો અને સ્નેહીઓની હાજરીમાં તેની અંતિમવિધિ કરવામાં આવશે.
અકસ્માતની વિગતો અનુસાર, અમદાવાદમાં ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભીષ્મ છેલ્લા ચાર વર્ષથી કેનેડાના રીજીના શહેરમાં રહેતો હતો. ત્યાં તેણે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને છેલ્લા એક વર્ષથી એક કાર લીડરશીપ કંપનીમાં સારી નોકરી કરી રહ્યો હતો. ઘટનાની રાત્રે આશરે ૯ વાગ્યાના સુમારે ભીષ્મ પોતાની નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે સાસ્કાચેવાન હાઈવે નંબર-૧૧ પર સામેની લેનમાંથી રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહેલી એક કારે ભીષ્મની કારને ભીષણ ટક્કર મારી હતી.
નશામાં ધૂત ચાલકની બેદરકારી અને અકસ્માતનો મંજર
કેનેડિયન મીડિયા અને સ્થાનિક અહેવાલો મુજબ, આ અકસ્માત સર્જનાર કારચાલક 'રફ રાઈડિંગ' ગેમનો કેપ્ટન જેડન ડેલ્ક્સ હતો. તે દારૂ (આલ્કોહોલ) અને ડ્રગ્સના નશામાં ધૂત થઈને રોંગ સાઈડમાં કાર ચલાવી રહ્યો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે ભીષ્મની કાર રસ્તા પરથી ફંગોળાઈને બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં જઈને પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ભીષ્મને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઇન્ટર્નલ બ્લીડિંગ (આંતરિક રક્તસ્રાવ) થઈ જવાને કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
આ અકસ્માતને પગલે હાઈવે પર કલાકો સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ કેનેડામાં રહેતા ભીષ્મના મિત્રો અને સ્થાનિક ગુજરાતી સમાજના લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા નશાખોર કારચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક મ્યુઝિક ગ્રૂપ, ગરબા આયોજન અને શ્રદ્ધાંજલિ
અમદાવાદના ઘાટલોડિયા સ્થિત યશકુંજ સોસાયટીમાં રહેતા ભીષ્મના પરિવારમાં તેના પિતા આશિષભાઈ રાજ્યગુરુ, માતા પૂર્વીબેન અને નાની બહેન હીર રાજ્યગુરુ છે. ભીષ્મના મિત્ર રૂદ્રેશ પંચાલે જણાવ્યું હતું કે ભીષ્મ કેનેડામાં ખૂબ જ સક્રિય અને મળતાવળો યુવક હતો. તે ત્યાં ગુજરાતી સમાજના સંગઠન સાથે જોડાયેલો હતો અને રીજીના મ્યુઝિક ગ્રુપમાં પણ સક્રિય ભાગ લેતો હતો. કેનેડામાં વસતા ભારતીયો અને ગુજરાતીઓ માટે તે દર વર્ષે નિઃશુલ્ક ગરબાનું સુંદર આયોજન પણ કરતો હતો.
ભીષ્મના અકાળે અવસાનથી કેનેડાના સ્થાનિક સમાજમાં પણ ઘેરા શોકની લાગણી છવાઈ છે. તેના મૃત્યુ અંગે સ્થાનિક મેયરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ઊંડા દુઃખ સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત, 'રફ રાઈડર્સ' મેચ દરમિયાન પણ વિશાળ સ્ટેડિયમની મોટી સ્ક્રીન પર ભીષ્મનો ફોટો મૂકીને તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પોસ્ટમોર્ટમની તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ તેનો પાર્થિવ દેહ ૨ ઓગસ્ટના રોજ અમદાવાદ લાવવામાં આવશે, જ્યાં અંતિમ દર્શન બાદ અંતિમ સંસ્કાર કરાશે.