ગઇકાલે બપોર બાદ યાંત્રિક રાઇડસને મંજુરી મળતા ગ્રામજનોએ મોજ માણી
ધ્રોલના ઐતિહાસિક ભૂચરમોરી મેદાનમાં છેલ્લા ૩૫ વર્ષથી પરંપરાગત લોકમેળો યોજાઇ રહ્યો છે. જે તેરસ, ચૌદસ અને અમાસના એમ ત્રણ દિવસ મેળો યોજાય છે જેમાં બહોળી સંખ્યામાં ધ્રોલ તેમજ આસપાસના ગામડાઓના લોકો મેળાની મજા માણવા ઉમટી પડયા છે.
લોકમેળાના પ્રથમ દિવસે ઉદઘાટનના સમયે જ વરસાદના કારણે વિઘ્ન પડયું હતું પરંતુ થોડાક સમયમાં જ વરસાદ બંધ થતા લોકમેળાનું નગરપાલિકાના હોદેદારો દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ ગઇકાલે એટલે લોકમેળાના બીજા દિવસે બપોર સુધી યાંત્રિક રાઇડસ અને ચકડોળ જેવા મોટા મેળાને તંત્ર દ્વારા સલામતીની તપાસણીના કારણોસર મંજુરી આપવામાં આવી ન હતી, ગઇકાલે લગભગ ૪ વાગ્યાની આસપાસ સંપુર્ણ સલામતીની ચકાસણી કર્યા બાદ તંત્ર દ્વારા યાંત્રિક રાઇડસને મંજુરી અપાઇ હતી.
લોકમેળામાં ચકડોળ, ચકરડી સહિતની મોટી રાઇડસ શરૂ થતા મેળામાં ફરી ધમધમાટ જોવા મળ્યો હતો. અને ગ્રામજનોમાં ખુશી છવાઇ હતી. ભૂચરમોરીના મેળામાં ખાનપાનનાં સ્ટોલ, રમકડાની દુકાન, તેમજ નાના બાળકો માટેની વિવિધ ચકરડીઓ ગોઠવવામાં આવી હતી. લોકો પરિવાર સાથે મેળાની મુલાકાત લઇ ખરીદી અને ખાણીપીણીનો આનંદ માણી રહ્યા છે.
મોટી રાઇડસને મંજુરી સમયસર ન મળતા મુલાકાતીઓમાં થોડી નિરાશા જોવા મળી હતી. જયારે બુધવારે અચાનક ખાબકેલા વરસાદે મેળાની વ્યવસ્થા અને રંગત પર પણ અસર કરી હતી. વરસાદને કારણે મેદાનમાં પાણી ભરાતા કેટલીક કામગીરીને અસર પહોંચી હતી અને મેળાની તૈયારીઓમાં પણ વિઘ્ન આવ્યું હતું. ગુરૂવારે સવારે તંત્ર દ્વારા સલામતીના ધોરણે સઘન તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ મોટી રાઇડસને મંજુરી અપાઇ હતી જેનાં કારણે બપોર બાદ મોટી સંખ્યામાં લોકોએ મેળાની મજા માણી હતી.