ખંભાળીયા: ૧૫૮ તાલુકાઓનાં ગામડે ગામડે સત્યાગ્રહ લઇ જઇશું: ઇશુદાન ગઢવી
બીજી ઓકટોબરે બહોળી સંખ્યામાં ખેડુતો સાથે ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રી સમક્ષ દુષ્કાળ જાહેર કરવા મુદે માંગ કરાશે
દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહના બીજા તબક્કામાં આપ પ્રદેશ પ્રમુખ દ્વારકાના ગુંદા સહિતના ગામડે પહોંચ્યા
ગુજરાતમાં ચોમાસાની અનિયમિતતા અને વરસાદની ખેંચને પગલે ખેડૂતોની કફોડી બનેલી પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીએ સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવી દ્વારા દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહના બીજા ચરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સત્યાગ્રહ અંતર્ગત ઈસુદાન ગઢવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગુંદા ગામની મુલાકાત લીધી હતી, જ્યાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતોની મુલાકાત લઈ તેમણે જાતે દુષ્કાળ જાહેર કરવાના ફોર્મ ભર્યા હતા તેમજ ખેડૂતોએ પણ સ્વયંભૂ આગળ આવીને ફોર્મ ભર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અપૂરતા વરસાદને કારણે ખરીફ પાક નિષ્ફળ જતાં અને ખેડૂતો પર આર્થિક સંકટ ઘેરાતાં આમ આદમી પાર્ટી દ્વારા સૌપ્રથમ જામનગર અને ખંભાળિયા પંથકથી આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉ પ્રથમ તબક્કામાં ઈસુદાન ગઢવીએ અસરગ્રસ્ત ખેડૂતો, પશુપાલકો અને ખેતમજૂરો માટે તાત્કાલિક રાહત પેકેજ તેમજ દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે અનિશ્ચિત મુદતના ધરણાં-સત્યાગ્રહ કર્યા હતા. પ્રથમ તબક્કાના આંદોલન બાદ પણ સરકાર તરફથી કોઈ સકારાત્મક પગલાં ન લેવાતાં હવે આ લડતને વધુ આક્રમક બનાવી ગામેગામ લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે.
હવે શરૂ થયેલા બીજા તબક્કામાં આ સત્યાગ્રહને રાજ્યના ૧૫૮ તાલુકાઓમાં વિસ્તારવામાં આવ્યો છે. આ માટે ૧૫૮ તાલુકાઓમાં ૧૦૦-૧૦૦ કાર્યકરો અને આગેવાનોની ટીમો બનાવવામાં આવી છે, જેઓ ગામેગામ જઈને ખેડૂતો પાસેથી દુષ્કાળ જાહેર કરવાની માંગણી કરતા ફોર્મ ભરાવશે. આ સઘન ગ્રામ્ય અભિયાન પહેલી ઓક્ટોબર સુધી અવિરત ચાલશે.
ત્યારબાદ બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે, સમગ્ર રાજ્યમાંથી ભરાયેલા આ તમામ અરજી ફોર્મ લઈને મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ગાંધીનગર પહોંચશે અને મુખ્યમંત્રી સમક્ષ આ ફોર્મ રજૂ કરી રાજ્યમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની ઉગ્ર માંગણી કરશે. ખાસ કરીને જામનગર, દ્વારકા, પોરબંદર, કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતોના ખાતામાં સીધી આર્થિક સહાય અને રાહત જમા ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઈસુદાન ગઢવીએ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application