અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વહેલી સવારે જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ભયાનક ગડગડાટ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર વાતાવરણને પ્રભાવિત કરી દીધું હતું. ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળ્યું હતું, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. વહેલી સવારે અમદાવાદમાં એક કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે સ્કૂલોને જરૂર લાગે તો પોતાની વિવેકબુદ્ધિથી રજા જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. DEO દ્વારા શહેરની તમામ સ્કૂલોને સૂચના અપાઈ છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો રજા જાહેર કરવાની રહેશે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાધાન્ય આપવું પડશે.
પશ્ચિમ ઝોનમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં ટાગોર કંટ્રોલ વિસ્તારમાં અઢી ઈંચ, ઉસ્માનપુરામાં ત્રણ ઇંચ અને વાસણામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે પૂર્વ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં ચકુડીયા મહાદેવ વિસ્તારમાં બે ઇંચ, ઓઢવમાં બે ઇંચ, નિકોલમાં બે ઇંચ, વસ્ત્રાલમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સરખેજ-નવરંગપુરામાં બે કલાકમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
ઉત્તર પશ્ચિમ ઝોન ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ પશ્ચિમમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. મધ્ય ઝોનમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ઝોનમાં સૌથી ઓછો દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. શહેરના દક્ષિણ ઝોનમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.
માત્ર એક કલાકના ભારે વરસાદમાં જ અમદાવાદના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. પશ્ચિમ વિસ્તારના હરણ સર્કલ, એસ.પી. સ્ટેડિયમથી દર્પણ છ રસ્તા તરફ જતો રોડ અને નારણપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે સવારના સમયે નોકરી-ધંધે જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને રસ્તાઓ પર વાહનોની પાંખી હાજરી જોવા મળી હતી.
વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 14 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. બીજી તરફ સલામતીના ભાગરૂપ અતિશય પાણી ભરાઈ જવાના કારણે શહેરના ઉસ્માનપુરા, પરિમલ ચાર રસ્તા, મકરબા અને અખબારનગરના અંડરપાસ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા. હેલ્મેટ સર્કલ ચાર રસ્તા પાસે પણ ભારે પાણી ભરાયા હતા.
ભારે પવન અને વરસાદના કારણે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી. ચાંદલોડિયા ડમરું સર્કલ પાસે અને ઇન્કમટેક્સ વિસ્તારમાં હયાત હોટલ નજીક ઝાડ પડવાના બનાવો બન્યા હતા. તાત્કાલિક કાર્યવાહી કરતા ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આ વૃક્ષોને હટાવવાની અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી.
આવી પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ લોકોની આસ્થા અડગ જોવા મળી રહી છે. ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને અંબાજી તરફ પગપાળા જઈ રહેલા માઈભક્તોનો ઉત્સાહ વરસાદ પણ ઓછો કરી શક્યો નથી. ચાલુ વરસાદમાં અને કાદવ-કીચડ વચ્ચે પણ ભક્તો ‘જય અંબે’ના નાદ સાથે વિસનગર થઈને અંબાજી તરફ શ્રદ્ધાપૂર્વક આગળ વધી રહ્યા છે અને તેમની પવિત્ર યાત્રા અવિરત ચાલુ રાખી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડિબાંગ વાદળોની ગર્જના સાથે સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. બંને શહેરોના નાગરિકો હાલ સાવચેતી રાખીને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
દેહગામના નાના જલુન્દ્રા ગામે વીજળી પડતા ગાયનું મોત
દેહગામના નાના જલુન્દ્રા ગામે મોડી રાતે આકાશી વીજળી પડવાથી એક ગાયનું કરુણ મોત નીપજ્યું હતું. આ વીજળીના પ્રચંડ ધડાકાથી એક મોટું લીમડાનું વૃક્ષ ફાટી ગયું હતું અને ત્યાં લગાવેલા લાઈટના હેલોજનને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. વહેલી સવારે આ કુદરતી આફતે ગ્રામ્ય વિસ્તારમાં પણ ફફડાટ ફેલાવ્યો હતો.