શહેરના કાલાવડ રોડ પર આવેલી મટુકી રેસ્ટોરન્ટ પાછળ બ્યુટી પાર્લર સંચાલિકા મહિલાની ગળું કાપીને હત્યા કરવાના બનાવનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકારરૂપ બની રહ્યો છે. ઘટનાને ૨૪ કલાક કરતાં વધુ સમય વીતી ગયા છતાં હત્યાનો ભેદ ઉકેલાય તેવી કોઈ મજબૂત કડી પોલીસના હાથે લાગી નથી. પરિવારજનો અને મહિલાના પુરુષ મિત્રની પૂછપરછમાં પણ કોઈ ફળદાયી વિગતો પ્રાપ્ત થઈ નથી. જેને પગલે હત્યાના આ બનાવે ભારે ભેદભરમ સર્જ્યો છે અને રહસ્ય વધુ ઘેરાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના વંથલી તાલુકાના કાજલિયાળી ગામના વતની અને હાલ મટુકી રેસ્ટોરન્ટ પાછળ આવેલા 'બાપા સીતારામ પાર્ક'ના પ્લોટ નંબર ૮૩માં રહેતા પ્રૌઢ કિશોરભાઈ રવજીભાઈ વાજાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચેક દિવસથી રાજકોટ ખાતે પત્ની ગીતાબેન અને સંતાનો સાથે રહેવા આવ્યા હતા. તેમના પુત્ર જીતુના લગ્ન નિશા પરમાર સાથે થયા હોવાથી તે વડોદરા રહે છે. જ્યારે ગીતાબેન વિમલનગર પુષ્કરધામ મેઇન રોડ પર બ્યુટી પાર્લર ચલાવતા હતા.
ગત તા. ૧૬ના રોજ રાત્રે દસેક વાગ્યે ફરિયાદી કિશોરભાઈ અને તેમનો પુત્ર આશિષ પાર્લરે હતા. દુકાન બંધ કરતી વખતે આશિષે કહ્યું હતું કે, "હું ઘરે ટિફિન લેવા જાઉં છું." તે ૨૦ મિનિટમાં ટિફિન લઈને પાછો આવ્યો હતો અને પિતા-પુત્ર બંને જમીને ત્યાં જ સુઈ ગયા હતા. ત્યારબાદ ગુરુવારે સવારે નવ વાગ્યે આશિષ ઘરે ટિફિન લેવા ગયો ત્યારે માતા ગીતાબેનની લોહીલુહાણ હાલતમાં હત્યા થયેલી જોવા મળી હતી.
હત્યાના આ બનાવ પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુનિવર્સિટી પોલીસ ઉપરાંત એલસીબી અને ડીસીબીની ટીમોએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે. પોલીસે સૌપ્રથમ મહિલાના પુત્ર આશિષ અને પતિ કિશોરભાઈની સઘન પૂછપરછ કરી હતી. આ ઉપરાંત અમદાવાદ રહેતા મહિલાના એક પુરુષ મિત્ર અંગે પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ આ તમામ વ્યક્તિઓ તરફથી કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી.
પોલીસે ઘરની આસપાસના તેમજ ઘર તરફ આવતા મુખ્ય માર્ગોના સીસીટીવી ફૂટેજ ચકાસી અવરજવર કરનાર તમામની તપાસ હાથ ધરી છે. આમ છતાં, અત્યાર સુધી પોલીસને કોઈ ચોક્કસ કડી મળી શકી નથી. બ્યુટી પાર્લર સંચાલિકાની હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકાર બન્યો છે.