BREAKING NEWS

એર ઇન્ડિયાના પાઇલટ્સને બખ્ખા, 17% સુધીનો પગાર વધારો મળશે

  • August 08, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવું પગાર માળખું લાગુ કરવાની ટાટા ગ્રુપની એરલાઇનની જાહેરાત, વિવિધ શ્રેણીઓમાં પાઈલટોના પગારમાં 8% થી 17% સુધીનો વધારો લાગુ થશે





એર ઇન્ડિયાના પાઇલટ્સ માટે એક ગુડ ન્યુઝ સામે આવી રહ્યા છે અને ટાટા ગ્રુપની એરલાઇન એર ઇન્ડિયાએ 17 ટકા સુધીના પગાર વધારાની જાહેરાત કરી છે.પાઇલટ્સ માટે એક નવું પગાર માળખું લાગુ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.ટાટા ગ્રુપની એરલાઇન એર ઇન્ડિયાએ તાજેતરમાં ટેવોલ્ડે ગેબ્રેમરિયમને તેના નવા એમડી અને સીઈઓ તરીકે જાહેર કર્યા અને તેના માત્ર બે દિવસ પછી, એરલાઇને તેના કર્મચારીઓને આ ભેટ આપી છે. આનાથી એરલાઇન કર્મચારીઓથી લઈને ગ્રાઉન્ડ સ્ટાફ સુધી દરેકમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.


એર ઈન્ડિયાએ તેના પાઈલટો માટે નવી પગાર નીતિ લાગુ કરી છે. આ અંતર્ગત, વિવિધ શ્રેણીઓમાં પાઈલટોના પગારમાં 8% થી 17% સુધીનો વધારો કરવામાં આવશે. અહેવાલો અનુસાર, કમાન્ડરોને સૌથી વધુ ફાયદો થશે, જેમાં 15% થી 17% નો પગાર વધારો થશે. સિનિયર કમાન્ડરોને 10% નો વધારો મળશે. સિનિયર ફર્સ્ટ ઓફિસર્સ અને ફર્સ્ટ ઓફિસર્સને 8% નો વધારો મળશે.



પગારની સાથે અન્ય સુવિધાઓ પણ મળશે


એર ઈન્ડિયાએ માત્ર પગારમાં વધારો જ નથી કર્યો પરંતુ ઘણી નવી સુવિધાઓની પણ જાહેરાત કરી છે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ પાઈલટો માટે હવે એક સામાન્ય સિનિયોરિટી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આનાથી બંને એરલાઈન્સના પાઈલટોને કારકિર્દીમાં સારી વૃદ્ધિ અને પ્રમોશનની વધુ તકો મળશે. કંપનીએ બોઈંગ 737 વિમાન ઉડાવતા પાઈલટો માટે અલગ ફ્લીટ ભથ્થું પણ રજૂ કર્યું છે. વધુમાં, એરલાઈને તેની બેઝ ટ્રાન્સફર પોલિસીમાં પણ સુધારો કર્યો છે. પાઇલટ્સને હવે એક ઓપરેશનલ બેઝથી બીજા ઓપરેશનલ બેઝ પર ટ્રાન્સફર કરવામાં વધુ સુગમતા મળશે. રિલોકેશન લાભોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

કંપનીના અચાનક પગાર વધારાનો હેતુ લાંબા ગાળા માટે પાઇલટ્સને જાળવી રાખવા અને ઝડપથી વિસ્તરણ કામગીરી માટે પૂરતા સ્ટાફને તૈયાર કરવાનો છે. દરમિયાન, બોઇંગ 737 અંગે એર ઇન્ડિયાની નીતિનો હેતુ વધુ પાઇલટ્સને આ વિમાન ઉડાડવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. જોકે પગાર વધારાની જાહેરાત ફક્ત પાઇલટ્સ માટે જ કરવામાં આવી છે, તેનાથી ગ્રાઉન્ડ સ્ટાફને આશા છે કે તેમને પણ ભવિષ્યમાં ફાયદો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application