રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પહેલાં સરપંચ પદની અનામત બેઠક ફાળવણીને લઈને વિવાદ વકર્યો છે. વિવિધ ગામોમાં સરપંચ પદની બેઠકોની ફાળવણીમાં રોટેશનના નિયમો અને કાયદાકીય જોગવાઈઓનો ભંગ થયો હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં એકથી વધુ રિટ અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લેતાં રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ અને નવસારી જિલ્લા કલેક્ટર સહિતના સત્તાધીશોને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
જસ્ટિસ એ.એસ. સુપહીયા અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની ખંડપીઠ સમક્ષ બિપીનભાઈ રમણભાઈ પટેલ સહિતના અરજદારો દ્વારા જુદી જુદી રિટ અરજીઓ કરવામાં આવી છે. અરજદારો તરફથી એડવોકેટ શાર્વિલ પી. મજમુદારે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ અને ગૃહ નિમર્ણિ વિભાગના જાહેરનામા અંતર્ગત ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 51(2) અને 51(3) તથા ગુજરાત ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી નિયમો-1994ના નિયમ 5 અને 10 મુજબ અનામત બેઠકોની ફાળવણી થવી જરૂરી છે.
આ જોગવાઈઓ હેઠળ રાજ્ય ચૂંટણી પંચ અને નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા ચીખલી તાલુકાનાં 70 ગામો તેમજ ગણદેવી તાલુકાનાં અનેક ગામોમાં સરપંચ પદ માટે મહિલા અનામત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (એસઈ બીસી) તથા બિનઅનામત બેઠકો જાહેર કરવામાં આવી છે. જોકે, અરજદારોનો આક્ષેપ છે કે બેઠક ફાળવણીમાં વસ્તી ગણતરી, જાતિગત પ્રમાણ અને રોટેશનના નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી.
ખાસ કરીને ચીખલી તાલુકાના 70 ગામોમાંથી 65 ગામોમાં ટ્રાઇબલ વસ્તી વધુ છે, જ્યારે માત્ર પાંચ ગામો નોન-ટ્રાઇબલ છે. આમ છતાં નોન-ટ્રાઇબલગ્રામ પંચાયત ચૂંટણીમાંગામોમાં પણ અનુસૂચિત જનજાતિ માટેની બેઠકો ફાળવવામાં આવી હોવાનો મુદ્દો હાઈકોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અનેક ગામોમાં અનુસૂચિત જનજાતિની બેઠકોનું પ્રમાણ વધુ રાખવામાં આવતાં એસઈબીસી અને બિનઅનામત વર્ગના સંભવિત ઉમેદવારોને અન્યાય થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે.
અરજદારોના જણાવ્યા મુજબ, બેઠક ફાળવણી વખતે ગામોની વસ્તી, જાતિગત આંકડા અને ગામોના સમૂહને એકમ ગણીને રોટેશનની પ્રક્રિયા હાથ ધરવાની હોય છે. પરંતુ આ પ્રક્રિયામાં એકસૂત્રતા અને સાતત્ય જળવાયું નથી. પરિણામે મનસ્વી રીતે અનામત બેઠકો ફાળવવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિવાદિત જાહેરનામું રદ કરી નવેસરથી કાયદાકીય જોગવાઈઓ મુજબ બેઠક ફાળવવાની માગ કરવામાં આવી છે.
હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારના સંબંધિત વિભાગના સચિવ, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ અને નવસારી જિલ્લા કલેક્ટરને નોટિસ પાઠવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બેઠક ફાળવણીનો વિવાદ ચૂંટણી પ્રક્રિયા પર અસર કરી શકે છે. આ મુદ્દે આગામી દિવસોમાં અન્ય ગામોમાંથી પણ અરજીઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સરકાર અને ચૂંટણી પંચ હાઈકોર્ટ સમક્ષ શું જવાબ રજૂ કરે છે તેના પર સૌની નજર રહેશે.