રાજ્યના સ્ટેટ જીએસટી વિભાગની ગંભીર બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે. જીએસટી કાયદાની કલમ-130 હેઠળ માલ અને વાહન જપ્ત કરવા માટે આપવામાં આવેલી નોટિસનો સાત વર્ષથી વધુ સમય સુધી નિકાલ કરવામાં નહીં આવતાં ગુજરાત હાઈકોર્ટે વિભાગના અક્ષમ્ય વિલંબની ગંભીર નોંધ લીધી છે. અધિકારી દ્વારા લાંબા સમય સુધી કોઈ હુકમ કરવામાં નહીં આવતાં હાઈકોર્ટે આખરે વેપારીને રાહત આપીને કલમ-130 હેઠળની નોટિસ રદબાતલ કરવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, ગોંડલ સ્થિત શ્રી રામ વિસ્ટેક્સ પ્રા.લિ. દ્વારા તા. 26 ઓગસ્ટ, 2019ના રોજ સુરતની આર એન્ડ બી ડેનિમ લિ.ને રૂ.14,20,725ની કિંમતનું કોટન યાર્ન વેચવામાં આવ્યું હતું. આ માલ પરિવહન દરમિયાન ટેક્સ ઇન્વોઇસ અને ટ્રાન્સપોર્ટ રિસિપ્ટ સાથે હતાં, પરંતુ સંજોગોવશાત ઈ-વે બિલ બનાવવાનું રહી ગયું હતું. દરમિયાન તા. 27 ઓગસ્ટ, 2019ના રોજ સુરતના સ્ટેટ ટેક્સ અધિકારીએ કામરેજ ટોલ પ્લાઝા પાસે માલ ભરેલું વાહન અટકાવ્યું હતું.
તપાસ દરમિયાન ઈ-વે બિલ ન હોવાનું સામે આવતાં અધિકારીએ જીએસટી કાયદાની કલમ-129 હેઠળ કાર્યવાહી કરવાને બદલે વેપારીનો કરચોરીનો ઇરાદો હોવાનું માની સીધી કલમ-130 હેઠળ કાર્યવાહી માટે નોટિસ ફટકારી હતી. આ નોટિસ સામે વેપારી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તા. 30 ઓગસ્ટ, 2019ના રોજ વચગાળાનો હુકમ કરીને માલ અને વાહન મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
સાથે જ અધિકારીને કલમ-130 હેઠળ કાર્યવાહી કરવાની છૂટ આપી હતી, પરંતુ તેનો નિર્ણય રિટ પિટિશનના અંતિમ ચુકાદાને આધીન રાખ્યો હતો. તાજેતરમાં કેસની આખરી સુનાવણી દરમિયાન વેપારીના વકીલ અપૂર્વ એન. મહેતાએ રજૂઆત કરી હતી કે સાત વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં જીએસટી વિભાગે કોઈ નિર્ણય લીધો નથી.
બીજી તરફ સરકાર દ્વારા નોટિસનો બચાવ કરવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીના અક્ષમ્ય વિલંબ અંગે સંતોષકારક સ્પષ્ટતા થઈ શકી નહોતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે કેસના ગુણદોષમાં ગયા વિના માત્ર સાત વર્ષથી વધુ સમય સુધી નિર્ણય નહીં લેવાના આધારે કલમ-130ની નોટિસ રદ કરી વેપારીની રિટ પિટિશન મંજૂર કરી હતી. આ કેસમાં વેપારી વતી ગુજરાત હાઈકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા રોકાયેલા હતા.