પ્રશાંત મહાસાગરમાં અલનીનોની અસર: સમુદ્રની સપાટી પરના ક્લોરોફિલ-એ અને પવનની સ્થિતિનો અભ્યાસ કરવામાં આવ્યો
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો)ના સેટેલાઇટે પ્રશાંત મહાસાગરમાં વિકસતા અલ નીનોની અસરનો સ્પષ્ટ સંકેત નોંધ્યો છે. ઈઓએસ-06 સેટેલાઇટ પર લગાવવામાં આવેલા બે સાધનો—ઓસિયન કલર મોનીટર-3 (ઓસીએમ-3) અને સ્કેટરોમીટર (એસકેટ-3)—દ્વારા આ અવલોકન કરવામાં આવ્યું છે.
ઈસરોના નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર (એનઆરએસસી)એ વર્ષ 2023થી 2026 દરમિયાન એપ્રિલ, મે અને જૂન મહિનાના સમુદ્રના ડેટાની તુલના કરી હતી. તેમાં સમુદ્રની સપાટી પરના ક્લોરોફિલ-એ અને પવનની સ્થિતિનો અભ્યાસ કરવામાં આવ્યો. ખાસ કરીને જૂન 2024 અને જૂન 2025ની તટસ્થ ઈએનએસઓ સ્થિતિની સરખામણી જૂન 2026 સાથે કરતાં સપાટી પરના ક્લોરોફિલ-એમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સાથે જ સમુદ્રની સપાટી પરના પવનની દિશામાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો. સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાતા પૂર્વીય પવનોની જગ્યાએ પશ્ચિમથી પૂર્વ તરફ ફૂંકાતા પશ્ચિમી પવનો વધુ પ્રબળ બન્યા હતા.
આ ફેરફાર મહત્વપૂર્ણ છે, કારણ કે પવનનો સીધો સંબંધ એકવેટોરીયલ અપ્વેલીંગ સાથે છે. આ પ્રક્રિયામાં સમુદ્રના ઊંડાણમાંથી ઠંડું અને પોષક તત્વોથી ભરપૂર પાણી ઉપરની સપાટી તરફ આવે છે. આ પોષક તત્વો સૂર્યપ્રકાશ ધરાવતા પાણીમાં ફાયટોપ્લેન્કટોનના વિકાસ માટે જરૂરી હોય છે.
અલ્નીનો દરમિયાન ટ્રેડ વિન્ડ્સ નબળા પડે છે અને થર્મોક્લાઇન વધુ ઊંડે જતી રહે છે. તેના કારણે ઊંડાણમાંથી પોષક તત્વો સપાટી સુધી પહોંચવાની પ્રક્રિયા ઘટી શકે છે. પરિણામે ફાયટોપ્લેન્કટોનનો વિકાસ ઘટે છે અને સમુદ્રની સપાટી પર ક્લોરોફિલ-એનું પ્રમાણ ઓછું થઈ જાય છે.
ક્લોરોફિલ-એ ફાયટોપ્લેન્કટોનમાં રહેલું મહત્વપૂર્ણ પિગમેન્ટ છે, જે પ્રકાશસંશ્લેષણ માટે જરૂરી છે. તેથી સેટેલાઇટ દ્વારા ક્લોરોફિલની માત્રામાં થતો ફેરફાર સમુદ્રમાં જૈવિક ઉત્પાદકતાનો મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે.
ઈસરોએ જણાવ્યું કે એપ્રિલથી જૂન 2026 દરમિયાન વધુ ક્લોરોફિલ ધરાવતા વિસ્તારનો પશ્ચિમ તરફનો વિસ્તાર પણ ઘટ્યો હતો. આ બાબત અલ નીનો વિકસવાની સાથે એકવેટોરીયલ અપ્વેલીંગ નબળું પડતું હોવાના સંકેતને વધુ મજબૂત બનાવે છે.
અલ નીનોને ભારત માટે ખાસ મહત્વનું માનવામાં આવે છે, કારણ કે પ્રશાંત મહાસાગરના તાપમાન અને વાતાવરણીય પરિભ્રમણમાં ફેરફાર ભારતીય ચોમાસા પર અસર કરી શકે છે. ઐતિહાસિક રીતે અલનોનોની સ્થિતિમાં ભારતમાં સામાન્ય કરતાં ઓછો ચોમાસુ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં વધુ ગરમી પડવાની સંભાવના વધી છે.
જોકે અલનોનોનો અર્થ એ નથી કે સમગ્ર ભારતમાં ચોક્કસપણે ભારે ગરમી કે ઓછો વરસાદ જ પડશે. અન્ય સમુદ્રી અને વાતાવરણીય પરિબળો તેની અસરને વધારી, ઘટાડી અથવા કેટલાક કિસ્સામાં સંતુલિત પણ કરી શકે છે.