મચ્છરના બેફામ ઉપદ્રવ વચ્ચે મનપા પાસે ૧૮ વોર્ડ વચ્ચે ફ્ક્ત આઠ ફોગિંગ મશીન
મચ્છરના બેફામ ઉપદ્રવ વચ્ચે મનપા પાસે ૧૮ વોર્ડ વચ્ચે ફ્ક્ત આઠ ફોગિંગ મશીન
July 21, 2026 02:52 PM
રાજકોટ મહાપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં કોર્પોરેટરે શહેરમાં ફોગિંગ મશીનોની ઉપલબ્ધતા અને તેની કામગીરી અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેના જવાબમાં મહાનગરપાલિકાના આરોગ્ય શાખાએ જણાવ્યું કે જૂન-૨૦૨૬ની સ્થિતિ મુજબ શહેરી મેલેરિયા યોજના હેઠળ કુલ ૬૨ પોર્ટેબલ તેમજ આઠ વ્હીકલ માઉન્ટેડ ફોગિંગ મશીનો ઉપલબ્ધ છે.આરોગ્ય શાખાએ પ્રત્યુતરમાં સ્પષ્ટ કર્યું છે કે વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ફોગિંગની કામગીરી નિયમિત રીતે સમગ્ર શહેરમાં કરવામાં આવતી નથી. ફોગિંગનો ઉપયોગ માત્ર એવા વિસ્તારોમાં કરવામાં આવે છે જ્યાં મેલેરિયા, ડેન્ગ્યુ અથવા ચિકન ગુનિયાના પોઝિટિવ કેસ નોંધાયા હોય અથવા જ્યાં મચ્છરોનું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળે. તંત્રના જણાવ્યા મુજબ પોઝિટિવ કેસ નોંધાયાના બાદ દર્દીના રહેઠાણ અને આસપાસના વિસ્તારોમાં મચ્છરના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક ફોગિંગ કરવામાં આવે છે. ઉપરાંત જ્યાં મચ્છરોની સંખ્યા વધુ હોવાનું આરોગ્ય વિભાગના સર્વેમાં સામે આવે છે, તેવા વિસ્તારોને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. જનરલ બોર્ડમાં આપવામાં આવેલા આ સત્તાવાર જવાબથી સ્પષ્ટ થાય છે કે રાજકોટ મહાનગરપાલિકા સમગ્ર શહેરમાં રોજિંદું ફોગિંગ કરતી નથી, પરંતુ રોગચાળાના જોખમ અને મચ્છરોની ઘનતા આધારે જરૂરિયાત મુજબ વૈજ્ઞાનિક પદ્ધતિથી ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ કામગીરીનો મુખ્ય હેતુ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના ફેલાવાને નિયંત્રણમાં રાખવાનો હોવાનું આરોગ્ય શાખાએ જણાવ્યું છે.