દેશભરમાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે ગુજરાતના પ્રાથમિક શિક્ષકોએ પોતાની પડતર માંગણીઓને લઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યભરના શિક્ષકોએ હાથ પર કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવી હતી અને સરકાર સામે પ્રતીકાત્મક વિરોધ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, શિક્ષકોના આ વિરોધ પાછળ મુખ્યત્વે બે મહત્વની માંગણીઓ છે. જેમાં પ્રથમ અને સૌથી મહત્વની માંગણી જૂની પેન્શન યોજના (OPS) ફરીથી લાગુ કરવાની છે. શિક્ષકોનું કહેવું છે કે નિવૃત્તિ બાદના જીવનની આર્થિક સુરક્ષા માટે જૂની પેન્શન યોજના જરૂરી છે.
બીજી મુખ્ય માંગણી TET પરીક્ષાના કડક નિયમોમાંથી મુક્તિ આપવાની છે. આ બંને મુદ્દાઓને લઈને રાજ્યના પ્રાથમિક શિક્ષકોમાં લાંબા સમયથી અસંતોષ જોવા મળી રહ્યો છે.
કાળી પટ્ટી સાથે શિક્ષકોએ નોંધાવ્યો વિરોધ
શિક્ષક દિને કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષકોએ સરકારને પોતાની માંગણીઓ અંગે સંદેશ આપ્યો હતો. શિક્ષક સંઘનું કહેવું છે કે આ માત્ર એક દિવસ પૂરતો પ્રતીકાત્મક કાર્યક્રમ નથી, પરંતુ આગામી સમયમાં આંદોલનને વધુ વ્યાપક બનાવવાની શરૂઆત છે.
શિક્ષક સંઘે જણાવ્યું છે કે રાજ્ય સ્તરે યોગ્ય નિરાકરણ નહીં આવે તો હવે આ લડતને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે. આગામી સમયમાં દિલ્હીના જંતર-મંતર ખાતે વિશાળ વિરોધ પ્રદર્શન યોજવાની તૈયારી કરવામાં આવી રહી છે.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન પણ વિરોધની તૈયારી
શિક્ષક સંઘ દ્વારા આગામી સમયમાં સંસદના શિયાળુ સત્ર દરમિયાન પણ વિરોધ પ્રદર્શનમાં સક્રિય રીતે ભાગ લેવાની રણનીતિ અંગે વાત કરવામાં આવી છે. શિક્ષકોનું કહેવું છે કે પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓનો કાયમી ઉકેલ આવે તે જરૂરી છે.
શિક્ષક દિન જેવા દિવસે જ કાળી પટ્ટી ધારણ કરીને થયેલા આ વિરોધને કારણે શિક્ષણ જગતમાં પણ ચર્ચા શરૂ થઈ છે. શિક્ષક સંઘે સ્પષ્ટ કર્યું છે કે જૂની પેન્શન યોજના અને TET સંબંધિત પ્રશ્નોનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે.
આ રીતે શિક્ષક દિને ઉજવણીની સાથે ગુજરાતના પ્રાથમિક શિક્ષકોએ પોતાની માંગણીઓ માટે સરકાર સામે રોષ વ્યક્ત કરીને આગામી સમયમાં આંદોલનને ગાંધીનગરથી દિલ્હી સુધી લઈ જવાના સંકેત આપ્યા છે.