BREAKING NEWS

RTOના ધક્કા નહીં ખાવા પડે, હવે ઘેરબેઠાં જ વાહનમાં નોંધાયેલો મોબાઈલ નંબર અપડેટ કરી શકાશે

  • September 05, 2026 07:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






 સમગ્ર ગુજરાતના લાખો વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે વાહનના રજિસ્ટ્રેશન દસ્તાવેજોમાં નોંધાયેલો મોબાઈલ નંબર બદલવા કે અપડેટ કરવા માટે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં રહે. વાહન વ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસના સંકલનથી ‘પરિવહન’ એપ્લિકેશન તથા પોર્ટલમાં નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે.

આ નવી વ્યવસ્થા હેઠળ વાહન માલિકો પોતાના સ્માર્ટફોન મારફતે ઘેરબેઠાં જ વાહનમાં નોંધાયેલો મોબાઈલ નંબર સરળતાથી અપડેટ કરી શકશે. તંત્ર દ્વારા વાહન માલિકોને પોતાના વાહનમાં નોંધાયેલો મોબાઈલ નંબર ચાલુ છે કે નહીં તેની ચકાસણી કરી લેવા પણ સૂચના આપવામાં આવી છે.

જો વાહનમાં નોંધાયેલો જૂનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય અથવા નવો નંબર ઉમેરવો હોય તો હવે એજન્ટ કે વચેટિયા મારફતે કામગીરી કરાવવાની જરૂર નહીં પડે. વાહન માલિકો પરિવહનના સત્તાવાર પોર્ટલ પર ક્યૂઆર કોડ સ્કેન કરીને અથવા ઓનલાઈન સેવાઓના વિકલ્પમાં જઈ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

ઈ-મેમોની માહિતી સમયસર મળશે

મોબાઈલ નંબર અપડેટ થયા બાદ ટ્રાફિક નિયમોના ભંગ બદલ જનરેટ થતા ઈ-મેમોના મેસેજ વાહન માલિકોને સમયસર મળી શકશે. જેના કારણે વાહનચાલકોને પોતાના વાહન પર દંડ થયો છે કે નહીં તેની જાણકારી સમયસર મળી રહેશે અને દંડ ભરવામાં પણ સરળતા રહેશે.

આ ઉપરાંત વાહન પર કોઈ ઈ-મેમો અથવા ચલણ પેન્ડિંગ છે કે નહીં તેની પણ ઓનલાઈન તપાસ કરી શકાશે. વાહનચાલકો ચલણ નંબર, વાહનના આરસી નંબર અથવા ડ્રાઇવિંગ લાઈસન્સ નંબરના આધારે પેન્ડિંગ દંડની સ્થિતિ જાણી શકશે. ત્યારબાદ સત્તાવાર પોર્ટલ મારફતે દંડની રકમ ઓનલાઈન જમા પણ કરી શકાશે.

સાયબર ફ્રોડથી સાવધાન રહેવાની અપીલ

દરમિયાન ઈ-મેમોના નામે બોગસ લિંક મોકલીને સાયબર છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા હોવાથી વાહનચાલકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. અજાણી કે શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાને બદલે માત્ર સત્તાવાર સરકારી પોર્ટલનો જ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

આ નવી સુવિધાથી વાહનચાલકોને આરટીઓની મુલાકાત, લાંબી પ્રક્રિયા અને વચેટિયાઓથી રાહત મળશે. સાથે જ વાહન સંબંધિત જરૂરી માહિતી ઓનલાઈન અને પારદર્શક રીતે મેળવવાની સુવિધા પણ વધુ સરળ બનશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application