ગોંડલનો કથિત પત્રકાર રવી રામાણી સામે વધુ એક ગુનો નોંધાયો છે. હું પત્રકાર છુ, જો રૂપિયા નહીં આપો તો ખોટા ન્યુઝ બનાવી વાઇરલ કરીશ કહી રાજકોટના ઓટો બ્રોકર પાસેથી ૧૦ લાખ પડાવી લીધા હતાં. જે અંગે આટકોટ પોલીસ મથકમાં ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટમાં કોઠીરીયા મેઇન રોડ પર ગોકુળપાર્ક શેરી નં.૩ માં રહેતાં મૂળ જસદણના વિરનગરના વતની કેયુરભાઈ ગોરધનભાઈ ભાયાણી (ઉ.વ.૨૭)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગોંડલના રવી રામાણીનું નામ આપ્યું છે.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ શાપર-વેરાવળ ટી.એન.ડી. એન્ટરપ્રાઇઝ કારખાનામાં માસીક રૂ.૧૭ હજાર પગારથી નોકરી કરે છે. તેમના પિતા ગોરધનભાઈ ગીગાભાઈ ભાયાણીના નામે મુળ ગામ વિરનગર ખાતે રે.સ.નં.૨૩૪ /પૈકી ૧/પૈકી ૧ ની આશરે ૧૧ વીઘા ખેતીની વારસાઈ જમીન છે. વર્ષ ૨૦૧૫ માં પિતાને કેન્સરની ગાંઠ હોય જેથી તેનુ ઓપરેશન કરાવવા રૂપિયાની જરૂરીયાત હોય જેથી યુવાનના પિતાએ અલ્પેશ દોંગા પાસેથી ૧૫ લાખ લીધા હતા અને તેની સીકયુરીટી પેટે વિરનગર ગામની જમીનનો વેચાણ દસ્તાવેજ પ્રેમજીભાઈ નારણભાઈ ઘાડીયા (રહે.વિરનગર) ના નામે કરાવી લીધેલ હતો. જે સંબંધે કોર્ટમાં કેસ ચાલુ છે.
બાદ યુવકના પિતાનો રાજકોટમાં અમીત ધામેલીયા સાથે સંપર્ક થયો હતો. વર્ષ ૨૦૨૦ માં અમીત ધામેલીયાએ કહ્યું હતું કે, મારા જાણીતા રવી રામાણી છે જેઓ ગોંડલ પત્રકાર છે, તેઓ તમારી જમીનને ચોખ્ખી કરાવી આપશે, તમે કહો તો હું તેમને વાત કરૂ. જેથી તેઓએ હા પાડેલ બાદ ફરીયાદી પિતા-પુત્ર અને અમીત ધામેલીયા ત્રણેય ગોંડલ રવી રામાણીની ઓફિસ ગોંડલ ગુંદાળા ચોકડીએ આવેલી છે ત્યાં મળવા ગયા હતા અને રવી રામાણીને વાત કરતા તેણે કહ્યું હતું કે, હું તમારી જમીનના કેસ ચાલે છે, તે કોર્ટમાં પુરા કરાવી તમારી જમીન ચોખ્ખી કરાવી આપીશ.
થોડા સમય બાદ આ રવી રામાણીએ પિતા-પુત્રને વિરનગર ખાતે બોલાવી કહ્યું હતું કે, તમારી જમીન ચોખ્ખી કરાવવી હોય તો દસ લાખ રૂપિયા થાશે. જેથી ફરીયાદીએ કહ્યું હતું કે, અમારી પાસે એટલા બધા રૂપિયા નથી અમે વિચારીને પછી તમને કહીશુ. ફરીવાર આ રવી રામાણીએ વિરનગર ખાતે બોલાવેલ અને કહેલ કે, તમે મને દસ લાખ રૂપિયા આપો, હું તમારી જમીન ચોખ્ખી કરાવી આપીશ અને હું પત્રકાર છુ જો તમે મને દસ લાખ રૂપિયા નહીં આપો તો તમે આ જમીન વેચી નાખી છે, તેમ છતા તમે રૂપિયા પડાવવા માટે ખોટી ફરીયાદો કરો છો તેવા ન્યુઝ બનાવી વાઇરલ કરીશ અને તમારા સામે ખોટા દસ્તાવેજો બનાવવાની ફરીયાદ દાખલ કરાવીશ તેવી ધમકી આપી હતી. બાદ યુવક તથા અમીત ધામેલીયા બન્ને રાજકોટ આર.સી. આંગડીયા ખાતે ગયેલ ત્યાંથી ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં રવી રામાણીને રૂ.૧૦ લાખ આંગડીયાથી મોકલેલ હતા.
ઘણો સમય થવા છતા આ રવી રામાણીએ જમીન બાબતે કોઇ કાર્યવાહી નહીં કરતા તેને અવાર નવાર ફોન કરતા તેઓ થઇ જાશે તેવો જવાબ આપતા તે બાદ ફોન ઉપાડવાનો બંધ કરી દીધેલ હતો. જે બાદ રવીનો અમીત ધામેલીયા મારફતે સંપર્ક થયેલ અને જમીનની કાર્યવાહી કરવા અને ન થાય તેમ હોય તો દસ લાખ રૂપિયા પરત આપવા જણાવેલ હતું. પરંતુ રવી રામાણીએ રૂપિયા પરત ન આ આપતા આ ફરિયાદ નોંધાવી હતી. આટકોટ પોલીસે ગુનો નોંધી પહેલેથી જ ગોંડલ બી. ડિવિઝન પોલીસના ગુનામાં પકડાયેલ કથિત પત્રકારનો કબ્જો લેવાં તજવીજ હાથ ધરી હતી.