BREAKING NEWS

રાજકોટના લોકમેળામાં ફાયર સેફ્ટીનું અભેદ્ય સુરક્ષા કવચ, 150 જવાનોને ડ્યુટી સોંપાઇ

  • September 01, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય એવા રાજકોટના વિરાસતથી વિકાસ-૨૦૨૬ લોકમેળામાં આવતા મુલાકાતીઓની સુરક્ષા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ફાયર સેફ્ટી અંગે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

મ્યુનિ.ચીફ ફાયર ઓફિસર અમિત દવેના જણાવ્યા મુજબ મુલાકાતીઓની સુરક્ષા અને ઇમરજન્સી રિસ્પોન્સ ઝડપી બને તે હેતુથી રેસકોર્સ મેદાનમાં ફનવર્લ્ડ પાસેના ગેટ, પોલીસ કમિશનર બંગલો સામેના ગેટ, એરપોર્ટ રોડ સામેના ગેટ, કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન પાસે તેમજ ફનવર્લ્ડ અને પોલીસ કમિશનરના બંગલો વચ્ચેના રોડ ઉપર એમ કુલ પાંચ મુખ્ય જગ્યાઓ ખાતે ફાયર સ્ટેશનનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મેળા દરમિયાન ચોવીસે કલાક સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફાયર બ્રિગેડના જવાનો શિફ્ટ પ્રમાણે ફરજ બજાવશે. દરેક શિફ્ટમાં ૪૫થી ૫૦ જેટલા જવાનો એમ ૧૫૦ જેટલા ફાયરના જવાનો મેળામાં તૈનાત રહેશે.

લોકમેળાનો પ્રારંભ થતાં જ ફાયર વિભાગની ટીમ દ્વારા તમામ ખાણીપીણીના સ્ટોલ, જ્યાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોય ત્યાં અને જનરેટર, ડીઝલ કે ઈલેક્ટ્રિકસિટીથી કાર્યરત તમામ ચકરડીઓ અને રાઈડ્સમાં ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, સ્થળ પર અગ્નિશામક સાધનોની પણ ચકાસણી કરવામાં આવશે.

આગ લાગવાની ઘટના વખતે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે ત્યાં સુધીમાં પ્રાથમિક ધોરણે તાત્કાલિક પગલાં લઈ શકાય તે માટે પણ વિશેષ આયોજન કરાયું છે. જે અંતર્ગત તમામ સ્ટોલ ધારકોએ સ્ટોલ પાસે ૨૦૦ લિટર પાણીનો જથ્થો ધરાવતું બેરલ, ફાયર એક્સ્ટિંગ્વિશર સહિતના પ્રાથમિક સાધનો રાખવાના રહેશે,જેથી પ્રાથમિક તબક્કે આગ પર કાબૂ મેળવી શકાય અને મોટી દુર્ઘટના ટાળી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application