ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે કથિત નકલી દારૂના સેવનથી અંદાજે ૧૩ થી ૧૪ જેટલા નિર્દોષ યુવાનોના મોતના અહેવાલો સામે આવતા રાજ્યભરમાં ભારે રોષ ફેલાયો છે. આ ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે આજ રોજ કાલાવડ શહેરમાં કાલાવડ કોંગ્રેસ પરિવાર દ્વારા રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ રસ્તારોકો આંદોલન કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સમગ્ર મામલે રાજ્ય સરકાર પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગણી બુલંદ કરી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તા પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતાં કાલાવડ ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસના અગ્રણીઓની અટકાયત કરી હતી. જેમાં પ્રવીણભાઈ મુછડીયા, ઋષિરાજસિંહ સોઢા, જે. પી. મારવીયા, જે. ટી. પટેલ, મેહુલભાઈ સોજીત્રા તેમજ એડવોકેટ ઘાડા સહિતના અન્ય કાર્યકરોની કાલાવડ ટાઉન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પુન: સ્થાપિત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.