જામનગર: ઈતિહાસ અને શિવ આસ્થાનો સમન્વય એટલે ખીમેશ્ર્વર મહાદેવ ખીમરાણા
પંખીઓના કલરવ વચ્ચે શ્રાવણ માસમાં ગુંજતો હર હર મહાદેવનો નાદ
જામનગર શહેરથી પૂર્વમાં તેર કિલોમીટરના અંતરે રાજકોટ જતા મુખ્યમાર્ગની દક્ષિણે રૂપારેલ નદીના દક્ષિણ તટ પર ખીમરાણા ગામ વસેલું છે. લોકવાયકા મુજબ આઠમી કે નવમી સદીની સેંધવકાલીન કોઈ સમૃદ્ધ નગરીના ભગ્નાવશેષો પર જેઠવાઓના સમયમાં ફરીથી વસેલા ખીમરાણા ગામનું નામાભિધાન ખીમોજી રાણા નામના કોઈ જેઠવા રાજવંશી પરથી થયાનું જણાય છે.
આ શિવાલયના શિખરની માંડણી તેને ઈસુની નવમી સદી જેટલું પ્રાચીન ઠરાવે છે. સૌરાષ્ટ્રના મૈત્રક અને સેંધવકાલીન મંદિરોના વિસ્તૃત સંશોધન પછી ખીમેશ્વર મંદિરને પુરાતત્ત્વ- અવશેષ તરીકે રક્ષિત જાહેર કરવામાં આવેલ છે મુખ્યત્વે સતવારા, રજપૂત અને પટેલની વસ્તી છે.
મંદિરના ગર્ભગૃહના લલાટ બીમની મધ્યમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બિરાજે છે,નીચેના ભાગે નટેશ ગંગા અને યમુના તો ઉપર યક્ષો અને અપ્સરાઓ છે.લોકવાયકા મુજબ અશ્વસ્થામા ખીમેશ્વર મહાદેવની પૂજા કરવા આવતા હોવાની ગ્રામજનોમાં માન્યતા છે.
જામનગરની ઐતિહાસિક નવાનગર ભૂમિ પર અનેક શિવાલયોએ લોકજીવનમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. જામનગરથી નજીક આવેલ ખીમેશ્વર મહાદેવ પણ એ જ પરંપરાનું એક મહત્વનું શિવધામ છે.જ્યાં પ્રાચીન વારસો, સ્થાનિક લોકઆસ્થા અને મહાદેવ પ્રત્યેની અખંડ ભક્તિ એકસાથે જોવા મળે છે.
ખીમરાણા જામનગર સાથે જોડાયેલું ગામ છે અને અહીંનું ખીમેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ પ્રદેશના ઐતિહાસિક વારસાનો પણ એક ભાગ છે. રાજ્યના સંરક્ષિત સ્મારકોની યાદીમાં ખીમરાણા ખાતે આ મંદિરની નોંધ કરવામાં આવી છે.
ખીમેશ્વર મહાદેવ મંદિરની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા તેની પ્રાચીનતા અને ઐતિહાસિક ઓળખ છે. મંદિર રાજ્ય-સંરક્ષિત સ્મારક તરીકે નોંધાયેલું હોવાથી તેની સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્ત્વને સત્તાવાર રીતે પણ માન્યતા મળી છે.તેમનુ બોર્ડ પણ પરિસરમાં લગાડવામાં આવેલ છે.
ખીમેશ્વર નામમાં ઈશ્વર શબ્દ ભગવાન શિવ સાથે સીધો સંબંધ દર્શાવે છે. સ્થાનિક શ્રદ્ધામાં મહાદેવને ખીમેશ્વર સ્વરૂપે પૂજવામાં આવે છે.ખીમેશ્વર મહાદેવ સ્થાનિક લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે ગાઢ રીતે જોડાયેલા છે. મહાદેવના મંદિરોમાં સામાન્ય રીતે સોમવાર, શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ જેવા પર્વોએ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.
શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો જળાભિષેક, બિલ્વપત્ર અર્પણ, શિવપૂજન અને મંત્રજાપ દ્વારા ભગવાન શિવની આરાધના કરે છે. મહાશિવરાત્રિ પણ શૈવ પરંપરામાં સૌથી મહત્વના પર્વોમાંનું એક છે પર્વો દરમિયાન ગામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે શ્રાવણ માસ દરમિયાન હાલમાં ગામની મહિલાઓ દ્વારા રોજ સત્સંગ ખીમેશ્વર મહાદેવના પટાંગણમાં ચાલી રહ્યો છે. જામનગર સહિત આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ પણ મહાદેવના દર્શન માટે તેમજ રૂદ્રી,ઓમ નમ: શિવાયના જાપ, સહિતના ધાર્મિક કાર્યક્રમો માટે પૌરાણિક ખીમેશ્વર મહાદેવે પરિવારજનોને સાથે આવતા હોય છે.
ગુજરાતે પ્રાચીન સ્મારકો અને પુરાતત્વના સ્થળો અને અવશેષોના કાયદા અંતર્ગત આ પૌરાણિક ખીમેશ્વર મહાદેવ મંદિર રક્ષીત છે, ૧૯૬૫ ગુજરાત અધિનીયમ કલમ ૨૫ હેઠળ આ સ્થળને નુકશાનકર્તા અને તેનો નાશ કરતા કોઇપણ ભાગને હટાવવાની મનાઈ છે, આવું કરનારને રૂા. પાંચ હજારનો દંડ અથવા ત્રણ મહીનાની સજા થશે તેવું સરકારે સ્પષ્ટ જણાવ્યુ છે.
ખીમરાણા ગામ માટે ખીમેશ્વર મહાદેવ માત્ર એક મંદિર નથી. તે ગામની ધાર્મિક ઓળખ, પરંપરા અને લોકસ્મૃતિ સાથે જોડાયેલું સ્થાન છે. ગ્રામજનો માટે મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા પેઢી દર પેઢી આગળ વધતી રહે છે.મંદિરની શાંતિપૂર્ણ પરિસ્થિતિમાં ભક્તો થોડો સમય આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. ભગવાન શિવની ઉપાસનામાં રહેલી સાદગી જળ, બિલ્વપત્ર અને શ્રદ્ધા આ મંદિરની ભક્તિપરંપરાને વધુ ગાઢ બનાવે છે.
ખીમેશ્વર મહાદેવ પીપળાના વૃક્ષ સન્મુખ, પશ્ચિમાભિમુખ મહાદેવ,નદી કાંઠો ત્રિવેણી સંગમ:
બહુ ઓછાં શિવ મંદિર પશ્ચિમાભિમુખ હોય છે જે પૈકીનું ખીમેશ્વર મહાદેવ પશ્ચિમ તરફ મુખ ધરાવે છે સાથો-સાથ વર્ષો જુના પીપળાની સન્મુખ રૂપારેલ નદી તટે ભોળીયો બિરાજાતો હોવાથી ખીમેશ્વર મહાદેવનું મહત્વ અનેકગણું કહેવાય વર્ષો પહેલાં સાધુ-સંતો જાપ,ધ્યાન નદી કીનારે,વૃક્ષ નીચે જ ધ્યાન પર બેસતા.
બ્રહ્મલીન સિયારામ બાપુની સમાધી ખીમેશ્વર મહાદેવના પરિસરમાં છે.હાલ ખીમેશ્વર મહાદેવની સેવાપૂજા કર્ણદેવસિંહ બાપુ કરી રહ્યા છે.જામનગરના ગૌરવ સમાન કવિ, સાહિત્યકાર, એડવોકેટ સ્વ.હરકીશનભાઈ જોષી લીખીત પુસ્તક,નગર નવાનગર જામનગરના પાના નંબર ૪૦૯ ઉપર ખીમરાણાના આ પ્રાચીન શિવાલય ખીમેશ્વર મહાદેવનો ઉલ્લેખ કરેલ છે.