લોલમલોલ, જામનગરમાં ૧૭૭ શાળાએ સ્કવોફની કામગીરી શરૂ ન કરી..!
આમાં કયાંથી શિક્ષણ સુધરે: ૧૭ થી ૩૧ ઓગષ્ટ સુધીમાં શાળાના સ્વમૂલ્યાંકનની શિક્ષણ વિભાગની સૂચનાનો ઉલાળીયો, મુદત વધારી ૮ સપ્ટેમ્બર કરવામાં આવી
મોટાભાગની શાળાએ જૂજ કામગીરી કરી સંતોષ માની લીધો: ખૂબ મોટી સંખ્યામાં આધારો, ફોટા અપલોડ કરવાના કારણે શાળાઓ ઘૂમરે ચડી
જામનગરની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં કેવું લોલમલોલ ચાલે છે તેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કારણ કે, શહેર-જિલ્લાની ૧૭૭ શાળાએ સ્કવોફ એટલે કે ગુણોત્સવની કામગીરી શરૂ ન કરતા આમાં કયાંથી શિક્ષણ સુધરે તે સવાલ વધુ એક વખત ઉઠ્યો છે. મોટાભાગની શાળાએ સ્કવોફની જૂજ કામગીરી કરી સંતોષ માની લીધો છે. તા. ૧૭ થી ૩૧ ઓગષ્ટ સુધીમાં શાળાના સ્વમૂલ્યાંકનની શિક્ષણ વિભાગની સૂચનાનો જામનગરની શાળાઓએ ઉલાળીયો કરતા અનેક સવાલ ઉઠ્યા છે. બીજી બાજુ રાજયમાં સ્કવોફના સ્વ મૂલ્યાંકનની મુદત વધારી ૮ સપ્ટેમ્બર કરવામાં આવી છે. સ્કવોફમાં શાળાના સ્વ મૂલ્યાંકનની કામગીરીમાં ખૂબ મોટી સંખ્યામાં આધારો, ફોટા અપલોડ કરવાના હોય શાળાઓ રીતસુર ધુમરે ચડી છે.
રાજયમાં વર્ષ-૨૦૦૯ થી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ગુણોત્સ્વ શરૂ કરવામાં આવ્યો છેે. જેે અંતર્ગત શાળાઓમાં અઘ્યાપન અને અઘ્યયન સહીત સુવિૂધાઓનું મૂલ્યાંકન કરી શાળાઓને ગ્રેડ આપવામાં આવે છે. ચાલુ વર્ષે રાજય સરકારે આ ગુણોત્સવનું નામકરણ બદલીને સ્કવોફ એટલે કે સ્કૂલ કવોલીટી એસેસમેન્ટ એન્ડ એસ્યોરન્સ ફ્રેમવર્ક કર્યું છે. ચાલુ વર્ષે આ સ્કવોફની કામગીરીમાં પ્રથમ તબકકાની એટલે કે શાળાઓના સ્વમૂલ્યાંકન કરવાની કામગીરી તા.૧૭ થી ૩૧ ઓગષ્ટ સુધી કરવા રાજયના શિક્ષણ વિભાગે તમામ શાળાઓને આદેશ કર્યો હતો. પરંતુ જામનગર જિલ્લામાં કાર્યરત સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ મળી કુલ ૧૩૧૬ શાળા પૈકી ૩૧ ઓગષ્ટ સુધીમાં ૧૭૭ શાળાએ સ્વમૂલ્યાંકનની કોઇપણ પ્રકારની કામગીરી શરૂ ન કરી હોવાનું ખુદ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવતા શાળાઓમાં કેવી લાલીયાવાડી ચાલે છે તે વધુ એક વખત ઉજાગર થઇ છે.
જયારે ૮૫૫ શાળાઓઅએ સ્કવોફ અંતર્ગત સ્વમૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરી હોવાનો દાવો કરાયો છે. જયારે બાકી ૪૬૧ પૈકી ૧૭૭ શાળાએ કોઇ કામગીરી શરૂ કરી નથી, તો ૨૮૦ શાળાઓએ જૂજ કામગીરી કરી સંતોષ માની લીધો છે. આથી શાળાઓમાં શિક્ષણ કયાંથી સુધરે તે સવાલ વધુ એક વખત ઉઠયો છે. સ્કવોફની કામગીરીમાં શાળાઓના સ્વમૂલ્યાંકનની આખરી તારીખ ૩૧ ઓગષ્ટ હતી. પરંતુ જામનગરની સાથે રાજયમાં મોટાભાગની શાળાઓએ સ્વમુલ્યાંકન કર્યું ન હોય તેની મુદ્દત વધારી ૮ સપ્ટેમ્બર કરવામાં આવી છે. સ્વમુલ્યાંકન ન કર્યું હોય તેમાં શિક્ષણ સમિતિની બે શાળાનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે સ્કવોફ-ગુણોત્સવ સ્વમુલ્યાંકનમાં ખૂબ મોટી સંખ્યામાં આધારો, ફોટા અપલોડ કરવાના હતાં જેના કારણે સમગ્ર રાજ્યની શાળાઓ ઘૂમરે ચડી હતી. આધારો અને અહેવાલ ખૂબ મોટી સંખ્યામાં અને એકદમ વિચિત્ર હોવાથી આધારો જનરેટ કરવા ખાનગી સોફ્ટવેર પણ બન્યા તો આચાર્યોના ગ્રુપમાં ચેટ જીટીપી જેવા ટૂલ્સનો ઉપયોગ કરી રાજ્યની તમામ શાળાઓને માંગ્યા મુજબના આધારો ધરાર ઊભા કરવા ફરજ પડી હોવાની ફરિયાદો પણ ઉઠી છે.
સ્કવોફના પ્રથમ તબકકામાં શાળાઓના સ્વમૂલ્યાંકનની કામગીરી શરૂ થઇ ત્યારે બે દિવસ સર્વર ધાંધિયા કરતું હોવાની રાવ પણ ઉઠી હતી. બીજી બાજુ શાળા કક્ષાએ એસએસએએ આપેલ જીએફજીએનએલનું ઇન્ટરનેટ અણીના ટાઇમે દગો દઈ દેતું હતું. આમ અતિશય વિકટ પરિસ્થિતિમાં તા. ૧૭ થી ૩૧ સુધીમાં આચર્યો અને શિક્ષકો ઊંધા માથે થઈ જેમ તેમ કરી સાચું ખોટું ગુણોત્સવની સ્વ મૂલ્યાંકન ઓનલાઈન સબમિટ કરી દીધું હતું. પણ ખાનગી શાળાઓએ આ જટીલ અને લાંબી કામગીરીમાં સમય બગડવાના બદલે વિદ્યાર્થીઓને ભણાવવામાં સમય આપ્યો અને આથી સ્વમુલ્યાંકન મોટાભાગની ખાનગી શાળાઓએ કર્યું નથી. આ સ્થિતિમાં મુદ્દત પૂરી થવાના છેલ્લા દિવસે મોડી સાંજે આઠ દિવસ ની મુદ્દત વધારવાનો પરિપત્ર કરવાની તંત્રને ફરજ પડી છે. સ્કવોફની ખાસિયત એ છે કે તેમાં ગ્રાઉન્ડ પરના કામ કરતાં આધાર, પુરાવાને અતિશય મહત્વ આપવાના કારણે સમગ્ર રાજ્યમાંં એકપણ શાળા એવી નહીં હોય કે તેની પાસે સ્કવોડમાં માંગ્યા મુજબના બધા આધારો માંગ્યા મુજબના ફોર્મેટમાં હોય અને આ કારણે જ આધારો ઊભા કરવામાં હજારો કલાકો વેડફાયા. પરખના સર્વેક્ષણમાં ગયા વર્ષે ગુજરાત તળિયે હતું. આમ છતાં દિવસે ને દિવસે વહીવટી, ઑનલાઇન કામગીરીનો કાર્યબોજ તંત્ર દ્વારા સતત વધાર્યા જાય છે તેના કારણે ગુજરાતનું શિક્ષણ કથળી રહ્યું હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે.
પ્રથમ સત્રમાં શાળાઓમાં આ કામગીરી ફરજિયાત કરવી પડે
-વિધાર્થીઓના એડમિશન અને એલ.સી. આપવા
-પ્રવેશોત્સવ,બેક ટુ સ્કૂલ,શિષ્યવૃતિ
-સ્વચ્છ અને હરિત વિધાલય,સ્વતંત્રતા દિવસ
-ખેલ મહાકુંભ ,સ્કવોફ
-યુડાયસ પ્લસ અપડેશન
-વિધાર્થીઓના બેંક ખાતા ખોલાવવા
-આધારકાર્ડ કઢાવવા મદદ કરવી
-અપાર આઇડી બનાવવા, ચાઇલ્ડ ટ્રેકિંગમાં નામ અપડેટ કરવા
-ત્રિમાસિક પરીક્ષા, નિપૂણ ગુજરાત ઉપરાંત રોજબરોજના વહીવટી કામ