ખંભાળિયામાં સત્યાગ્રહનો આજે ચોથો દિવસ: કેબિનેટ બેઠકમાં દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોના ખાતામાં સહાય જમા કરો-ઈસુદાન
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આપશે સમર્થન, જુવાનગઢમાં વરુણદેવને રીઝવવા યોજાયેલા હવનમાં આગેવાનોએ આપી હાજરી
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં ચાલી રહેલા અચોક્કસ મુદતના ’દુષ્કાળ જાહેર કરો’ સત્યાગ્રહનો આજે ચોથો દિવસ છે. આ સત્યાગ્રહને સમર્થન આપવા માટે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી ઉપરાંત મહિસાગર, નર્મદા અને પંચમહાલ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો છાવણી સ્થળે પહોંચ્યા હતા.
ઈસુદાન ગઢવીએ સરકાર સમક્ષ માંગ કરી હતી કે બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં સમગ્ર વિસ્તારને ત્વરિત દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા કરવામાં આવે. વરસાદના અભાવે ચોમાસું પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને શિયાળુ કે ઉનાળુ પાક લેવાય તેવી કોઈ સ્થિતિ ન હોવાથી ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે. આ ઉપરાંત સરકારે જાહેર કરેલા વિસ્તારોની નહેરોમાં તાત્કાલિક પાણી છોડવાની પણ માંગ કરવામાં આવી હતી. આ સત્યાગ્રહ દરમિયાન ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામે વરસાદ માટે વરુણદેવને રીઝવવા ગ્રામજનો દ્વારા હવનનું આયોજન કરાયું હતું, જેમાં ઈસુદાન ગઢવી અને આપ નેતા પ્રવીણ રામે ઉપસ્થિત રહી પ્રાર્થનામાં ભાગ લીધો હતો.
બીજી તરફ, આ આંદોલનને વધુ મજબૂત કરવા માટે વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે ૧ સપ્ટેમ્બરના રોજ વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના ખેડૂતો તથા આગેવાનો સાથે ખંભાળિયા પહોંચી સત્યાગ્રહમાં જોડાશે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ નહિવત થતાં ખેડૂતો ઉપરાંત ખેતમજૂરો અને પશુપાલકોની સ્થિતિ પણ અત્યંત કફોડી બની છે. બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ પણ ન નીકળતા તમામ વર્ગો આર્થિક મુશ્કેલીમાં છે, જેથી સરકારે કાયમી નિરાકરણ લાવી તાત્કાલિક દુષ્કાળ જાહેર કરી યોગ્ય આર્થિક સહાય ચૂકવવી જોઈએ. સમગ્ર રાજ્યના લોકો ખેડૂતોના હકની આ લડાઈમાં ઈસુદાન ગઢવી સાથે જોડાય તેવી અપીલ પણ તેમણે કરી હતી.