ભારતીય રિઝર્વ બેંક ની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) ની બેઠકમાં વ્યાજદરો યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 5.25% પર સ્થિર રાખવામાં આવ્યો છે. આ નિર્ણયનો સીધો અર્થ એ થાય છે કે સામાન્ય જનતા પર લોનની ઈએમઆઈનો વધારાનો બોજ નહીં પડે અને હોમ કે ઓટો લોનના વ્યાજદરો હાલ પૂરતા યથાવત જ રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં જૂન મહિનામાં યોજાયેલી એમપીસીની બેઠકમાં પણ રિઝર્વ બેંકે રેપો રેટ સ્થિર રાખ્યો હતો. તે પહેલાં વર્ષ 2025 દરમિયાન આરબીઆઈએ લોનધારકોને મોટી રાહત આપતાં તબક્કાવાર રીતે રેપો રેટમાં કુલ 125 બેઝિસ પોઈન્ટ્સ (1.25%) નો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ રેપો રેટ 5.25% ના નીચલા સ્તરે પહોંચ્યો હતો, જેને હાલમાં પણ જાળવી રાખવામાં આવ્યો છે.
રેપો રેટએ એવો દર છે જેના પર ભારતીય રિઝર્વ બેંક દેશની અન્ય તમામ વાણિજ્યિક બેંકોને ધિરાણ (લોન) આપે છે. જ્યારે રેપો રેટ વધે છે ત્બેંયારે કો માટે આરબીઆઈ પાસેથી લોન લેવી મોંઘી બને છે, જેના કારણે બેંકો પણ પોતાના ગ્રાહકો માટે હોમ, ઓટો કે પર્સનલ લોનના વ્યાજદરમાં વધારો કરે છે અને ગ્રાહકોની ઈએમઆઈ વધી જાય છે. જ્યારે રેપો રેટ સ્થિર રહે છે ત્યારે બેંકોના ધિરાણ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, જેથી ગ્રાહકોની હાલની ઈએમઆઈ જેમની તેમ જળવાઈ રહે છે. આરબીઆઈ ફુગાવો (મોંઘવારી) અને દેશના આર્થિક વિકાસ દર વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે સમયાંતરે મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ અંગે નિર્ણયો લેતી હોય છે.