રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સિંગતેલ તથા કપાસિયા તેલનો વપરાશ ખૂબ જ મોટા પ્રમાણમાં થતો હોય છે. સિંગતેલની વાત કરીએ તો, સાતમ આઠમના તહેવારો પછી અંદાજે ૫૦ રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે. આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ વરસાદની ખેંચ અને મગફળીનું ઉત્પાદન ઓછું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સરકાર પાસે જે મગફળીનો સ્ટોક છે તે મધ્યમ ક્વોલિટીનો હોવાને કારણે અને નવી મગફળી હજુ પીલાણ લાયક ન હોવાથી સિંગતેલના ભાવમાં આ ઉછાળો આવ્યો છે.
વેપારીના જણાવ્યા અનુસાર, દિવાળી સુધી સિંગતેલના ભાવમાં કોઈ મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ નહિવત દેખાઈ રહી છે. દિવાળીની સીઝન સુધી સિંગતેલના ભાવ ૩૦૫૦થી ૩૧૦૦ રૂપિયા સુધી રહેવાનો અંદાજ છે. સરકાર પાસે મગફળીનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે સિંગતેલની અછત સર્જાઈ શકે છે, જેના કારણે ભાવ ઊંચા જ રહેવાની સંભાવના છે. જો કે, દિવાળી પછી નવી મગફળીની આવક શરૂ થતાં જ સિંગતેલની પડતર ઊંચી હોવાથી ભાવ ઘટવાની શક્યતાઓ હાલ ઓછી છે.
બીજી બાજુ, કપાસિયા તેલની સ્થિતિમાં રાહત જોવા મળી રહી છે. અગાઉ કપાસિયા તેલમાં ભારે શોર્ટેજ અને ઉંચા ભાવ જોવા મળ્યા હતા, પરંતુ સોયાબીન તેલના ભાવ ઘટવા અને કપાસિયા તેલની માંગ ઘટવાને કારણે તેમાં સાતમા આઠમ પછી ૬૦ થી ૭૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આગામી સમયમાં નોરતા દરમિયાન કપાસિયા સીડ્સની આવક શરૂ થતાં કપાસિયા તેલમાં ફરીથી ૧૦૦ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.
માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ પામોલિન, સરસવ, સૂર્યમુખી, મકાઈ અને એરંડિયા જેવા તમામ સાઇડ તેલોના ભાવમાં પણ એકસાથે રૂ. 20થી 30નો વધારો નોંધાયો છે. ચોમાસામાં વાવેતર વધુ હોવા છતાં અને મગફળીની આવક ચાલુ હોવા છતાં બજારમાં સતત ભાવવધારો જારી રહેતા સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજો વધ્યો છે.