એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં 2014 થી 2024 વચ્ચેના રિપીટ થયેલા દેશના કુલ 103 સાંસદોમાંથી 102 સાંસદોના વખતો વખત ફાઇલ કરેલ સોગંદનામાનું વિશ્લેષણ કરીને તેમની મિલકતમાં થયેલા ફેરફાર અંગે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે 2014માં આ સાંસદોની સરેરાશ મિલકત 15.76 કરોડ હતી, જે 2024માં વધીને 33.13 કરોડ થઈ છે. જો કે, ગુજરાતના રિપીટ 7 સાંસદોની વાત કરીએ તો જામનગરના સાંસદ પૂનમ માડમની મિલકતમાં 130 કરોડનો (747%) વધારો થયો છે, પરંતુ નવસારીના સાંસદ સી.આર. પાટીલની સંપત્તિમાં 34 કરોડનો (47%) ઘટાડો નોંધાયો છે.
10 વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સરેરાશ મિલકતમાં 17.36 કરોડનો વધારો થયો છે. 2014માં આ મિલકત 15.76 કરોડ હતી જ્યારે 2024ના ચૂંટણી વખતે રજૂ કરેલ સોગંદનામા અનુસાર સાંસદોની સરેરાશ મિલકત 33.13 કરોડ જેટલી છે. ટકાવારીમાં જોઈએ તો આ વધારો 110% જેટલો થાય છે.
મહારાષ્ટ્રના ઉદયન રાજની સંપત્તિમાં ધરખમ વધારો
છેલ્લી બે ટર્મ (2014-2019 અને 2019-2024) મુજબ દેશના જે સાંસદોની મિલકતમાં ધરખમ વધારો થયો છે તેવા 10 સાંસદોમાંથી મહારાષ્ટ્રના સતારા લોકસભા ક્ષેત્રના સાસંદ ઉદયન રાજે પ્રતાપસિંહ મહારાજ ભોંસલે છે. તેમની મિલકત 2014માં 60 કરોડથી વધીને 2024માં 162 કરોડ થઈ છે. તેમાં 268%નો વધારો થયો છે, બીજા ક્રમે ગુજરાતના જામનગરના સાંસદ પૂનમબેન માડમ છે. 2014માં તેમની મિલકત 17 કરોડ દર્શાવેલ હતી જે 2024માં વધીને (સોગંદનામા અનુસાર) 147 કરોડ થઈ છે. એટલે તેમાં 130 કરોડનો તોતિંગ વધારો થયો છે. તમામ વિગતો ADR દ્વારા 2014, 2019 અને 2024ના સોગંદનામા પરથી લીધી છે.
ગુજરાતના 7 સાંસદોની મિલકતમાં 10 વર્ષમાં કેટલો વધારો-ઘટાડો?
પૂનમબેન હેમંતભાઈ માડમ (જામનગર): તેમની મિલકત 2014 માં રૂ.17 કરોડથી વધીને 2024માં આશરે રૂ.147 કરોડ થઈ છે. તેમાં 10 વર્ષમાં 747 ટકાનો વધારો જોવા મળ્યો છે.
વિનોદ લખાભાઈ ચાવડા (કચ્છ): તેમની મિલકતમાં સૌથી મોટો ટકાવારી ફેરફાર જોવા મળ્યો છે. 2014માં રૂ.56 લાખથી વધીને 2024માં મિલકત રૂ.7 કરોડથી વધુ થઈ છે, જે 1163 ટકાનો વધારો થયો દર્શાવે છે
પ્રભુભાઈ નાગરભાઈ વસાવા (બારડોલી): 2014માં રૂ.1 કરોડથી વધુ મિલકત હતી, જે 2024માં વધીને આશરે રૂ.4.70 કરોડ થઈ છે. કુલ વધારો 195 ટકા થયો છે
જસવંતસિંહ સુમનભાઈ ભાભોર (દાહોદ): તેમની મિલકત 2014માં રૂ.1.96 કરોડ હતી, જે 2024માં વધીને રૂ.4.84 કરોડ થઈ છે. આ 10 વર્ષમાં 146 ટકાનો વધારો છે.
રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા (જૂનાગઢ): 2014માં તેમની પાસે રૂ.74 લાખથી વધુની મિલકત હતી, જે 2024માં વધીને રૂ.3.34 કરોડથી વધુ થઈ છે. તેમાં 349 ટકાનો વધારો થયો
દેવુસિંહ ચૌહાણ (ખેડા) ): 2014માં તેમની પાસે રૂ.94 લાખથી વધુની મિલકત હતી, જે 2024માં વધીને રૂ.3.49 કરોડથી વધુ થઈ, તેમાં 271 ટકાનો વધારો થયો
સી. આર. પાટિલ (નવસારી): 2014માં તેમની પાસે રૂ.74 કરોડથી વધુની મિલકત હતી, જે 2024માં ઘટીને રૂ.39 કરોડ થઈ, તેમની સંપત્તિમાં 47 ટકાનો ઘટાડો જોવા મળ્યો